અમદાવાદ: કુખ્યાત ગુનેગાર રાજેન્દ્ર શેખવા વિરુદ્ધ લાંચરુશવત બ્યુરોએ અપ્રમાણસર મિલકતની ફરિયાદ રાજુ નોંધી છે. ઉલ્લેખનીય છે કે, રાજુ શેખવા પર આ પહેલા ત્રણ હત્યાના ગુના નોંધાયેલા છે.
- આરોપી રાજુ શેખવાએ પહેલી હત્યા વર્ષ 2001 સાવરકુંડલામાં જોરાવરસિંહ ચૌહાણની જાહેરમાં તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે વોટર વર્કસ કમિટીના ચેરમેન હતા. રાજુ શેખવાએ ધંધાની અદાવતમાં આ પ્રથમ હત્યા કરી હતી.
- બીજી હત્યા 2013 માં અમરેલીમાં જાહેર સ્થળ પર ફિલ્મી ઢબે ચાલુ કારમાં કરી હતી. બાબુલાલ જાદવની ફાયરિંગ કરીને હત્યા કરી હતી. બાબુલાલ જાદવ ફૂડ કોર્પરેશન ઓફ ઇન્ડિયાના મેનેજર હતા. આ હત્યા પણ રાજુ શેખવાએ ધંધાની અદાવતમાં કરી હતી.
- ત્રીજી હત્યા અમદાવાદના વાસણામાં શિવ મંદિરમાં પૂજા કરતા સુરેશ શાહની કરી હતી. શાર્પશૂટર દ્વારા ફાયરિંગ કરાવીને આ હત્યાને અંજામ આપ્યો હતો. કુખ્યાત રાજુ શેખવાએ આ હત્યા પણ ધંધાની અદાવત અને વર્ષ 2009માં સુરેશ શાહે રાજુ શેખવા પર ફાયરિંગ કર્યું હતું, જેની અદાવત રાખી હત્યા કરી હતી.
ACBએ કુખ્યાત રાજુ શેખવા પર અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. અત્યારનો કુખ્યાત ગુનેગાર રાજુ શેખવાએ આ તમામ ગુના કરતાં પહેલા અમરેલીના લીલીયામાં મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકેએ ફરજ બજાવતો હતો. તે મૂળ અમરેલી જિલ્લાનો વતની હોવાથી અમરેલી જિલ્લાના બાહોશ SP નિર્લિપ્ત રાયે એસીબીને એક રિપોર્ટ કર્યો. જેમાં રાજુ શેખવાની મિલકત અંગે તપાસ કરવાની માગ કરી હતી. જેથી ACB ગુજરાતે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન 93 લાખ 41 હજારની આવક કરતા વધુ મિલકત મળી આવી હતી. જેમાં જમીન મકાન, વાહન અને અન્ય સાધનોનો સમાવેશ થતાં અપ્રમાણની મિલકતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
કુખ્યાત રાજુ શેખવા હાલ સુરેશ શાહ હત્યા કેસમાં જેલના સળિયા પાછળ છે, ત્યારે પોલીસના જણાવ્યાનુસાર, રાજુ શેખવા ઉંચા ગજાના રાજકીય નેતા અને અધિકારીઓ સાથે ખાસ સબંધો ધરાવે છે.
મળતી માહિતી અનુસાર, આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજુ શેખવાના નામનો ડર જોવા મળે છે. તેના પર હત્યા, ખંડણી, અપહરણ અને ગેરકાયદેસર હથિયારની તસ્કરી અને મારામારી સહિતના અનેક ગુના અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.