અમદાવાદઃ 'ટોક ઓફ ધી ટાઉન' બનેલા ઠગાઈના મામલામાં શહેર ક્રાઈમ બ્રાન્ચને એક સફળતા હાથ લાગી છે. 14 વર્ષથી ફરાર આરોપી અને મહાઠગ અશોક જાડેજાના એજન્ટની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજસ્થાનથી ખેતારામ સાંસી નામનો 40 વર્ષીય આરોપી પકડાયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ. ત્રિવેદીની બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.આર ભરવાડ ભરવાડની ટીમે રાજસ્થાન ધોરીમન્ના ખાતેથી આરોપી ખેતારામ સાંસીને ઝડપી પાડ્યો હતો. આ આરોપી પર 20,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
મહાઠગની મોડસ ઓપરન્ડીઃ વર્ષ 2009માં સરખેજ વિસ્તારમાં રહેતા અશોક જાડેજાએ પોતાના પર મેલડી માતા પ્રસન્ન થઈ હોવાની અફવા ફેલાવી હતી. અશોક પોતાના મકાન આગળ આવેલ મેલડી માતાના મંદિર નજીક ખાડો કરી નજીકમાં બેસી ગયો હતો. અશોકે ખાસ કરીને છારા સમાજના લોકોનો ઉદ્ધાર કરવાનું માતાજીએ કામ સોંપ્યું હોવાની વાતો કરી હતી. એક ચોક્કસ સમાજના લોકોના 3 દિવસમાં રૂપિયા 3 ગણા કરી આપવાનું જણાવી રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં જે વ્યક્તિઓએ અશોક જાડેજા ને રૂપિયા આપ્યા હતા તેઓને 3 દિવસમાં રૂપિયા 3 ગણા કરી આપ્યા હતા. જેથી છારા સમાજના લોકોમાં આ વાતની ખૂબ જ પ્રસિદ્ધિ થઈ હતી. છારા સમાજના લોકોની અશોક જાડેજા પાસે 1ના 3 ગણા રૂપિયા કરાવવા લાઈનો લાગી હતી.
34 એજન્ટ્સ ઠગાઈમાં સામેલઃ લોકોની ખૂબ જ ભીડ થતા અશોક જાડેજાએ અલગ અલગ 34 જેટલા એજન્ટોને કામે રાખ્યા હતા. વધારે લોકો રૂપિયા 3 ગણા કરાવવા માટે આવતા અશોકે એજન્ડા ચેન્જ કર્યો હતો. તેણે 3 બદલે 7 દિવસ ત્યારબાદ 15 દિવસ અને છેલ્લે એક મહિનામાં 3 ગણા રૂપિયાની જાહેરાત કરી હતી. અશોક જાડેજા પાસે માતાજીના ભક્તોના કરોડો રૂપિયા જમા થયા હતા. તેણે આ રૂપિયાથી મિલકતો પણ વસાવી હતી. ત્યારબાદ તે લોકોના રૂપિયા લઇ રાતોરાત ફરાર થઈ ગયો હતો. મહાઠગ અશોક જાડેજાએ ગુજરાતમાં અબજો રૂપિયાની છેતરપિંડી કરી હતી.
કુલ 450 કરોડનો મુદ્દામાલ જપ્તઃ આ સમગ્ર મામલાની તપાસ CID ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. અશોક જાડેજા અને તેના એજન્ટો વિરુદ્ધ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ 111 ગુનાઓ દાખલ થયા હતા. આ ગુનાઓ અલગ અલગ રાજ્યમાં દાખલ થયેલા હોય તમામ ગુનાઓ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમથી સીઆઇડી ક્રાઈમ ગુજરાત ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અશોક જાડેજા ગેંગ પાસેથી 100 કરોડ જેટલી રોકડ રકમ, 2 કરોડ રૂપિયાનું સોનું, 2 કરોડ રૂપિયાની ચાંદી, 50થી વધુ કાર્સ, 60થી વધુ મોટરસાયકલ તેમજ છેતરપિંડીના રૂપિયાથી ખરીદાયેલી કુલ 450 કરોડ રૂપિયાની 186 વીઘા જમીનને સીઝ કરવામાં આવ્યા હતા.
એજન્ટ ડાયરી મેનેજ કરતાઃ અશોક જાડેજા પાસે જે લોકો રૂપિયા 3 ગણા કરાવવા માટે આવતા તેમના રૂપિયા અને દાગીના અશોક જાડેજા બાજુમાં કરેલ ખાડામાં નાખતો. જ્યાં તેના એજન્ટ રૂપિયા અથવા દાગીના લઈ લેતા અને અન્ય એજન્ટ રૂપિયા 3 ગણા કરવા આવેલ વ્યક્તિઓના નામ સરનામા અને તારીખ લખતા. સમય મર્યાદા પૂર્ણ થતા રૂપિયા લગાવનાર વ્યક્તિ અશોક જાડેજા પાસે આવતા તેના એજન્ટ ડાયરીમાં જોઈને જે તે વ્યક્તિને રૂપિયા ત્રણ ગણા આપતા હતા. અશોક જાડેજાના 34 એજન્ટો પૈકી એક એજન્ટ ખેતારામ સાંસી છેલ્લા 14 વર્ષથી ઘણા બધા ગુનાઓમાં નાસતો ફરતો હતો. સીઆઇડી ક્રાઈમ દ્વારા તેના ઉપર 20 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
આરોપીની કબૂલાતઃ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેના લગ્ન સરખેજ ખાતે રહેતા આક્રમભાઈ છારાની દીકરી સાથે થયા હતા. અશોક જાડેજાની પ્રસિદ્ધિ થતાં આરોપીના સસરાએ આરોપીને અમદાવાદ સરખેજ બોલાવ્યા હતા અને અશોક જાડેજા સાથે તેની મુલાકાત કરાવી હતી. અશોક જાડેજાએ તેને એજન્ટ તરીકેની નિમણૂક આપી તેની સાથે રહેવા રૂમ આપ્યો હતો. વર્ષ 2009થી 2010ના સમયગાળા દરમિયાન અશોક જાડેજા સાથે રહી પકડાયેલા આરોપીએ એજન્ટ તરીકે કામ કર્યું હતું. જે કોઈ છારા સમાજના માણસો 3 ગણા રૂપિયા કરવા માટે અશોક જાડેજા પાસે આવતા તેમના નામ સરનામા તથા રૂપિયા જમા કરાવ્યા અંગેની તારીખ લખી રૂપિયા મેળવી તે રૂપિયા અશોક જાડેજા પાસે જમા કરાવતો હતો. તેમજ જ્યારે વધારે ભીડ ભેગી થઈ જાય ત્યારે લોકોને એક લાઈનમાં કરવાનું કામ કરતો હતો. અશોક જાડેજા તથા એજન્ટસ વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા હોવાથી અશોક જાડેજા તેમજ અન્યની ધરપકડ થતા પોતે અમદાવાદ ખાતેથી પોતાના વતન રાજસ્થાન ખાતે જતો રહ્યો હતો અને ત્યારથી આ ગુનામાં નાસતો ફરતો હોય રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ રહીને ભંગાર ભેગો કરીને વેચવાનું કામ કરતો હતો.