અમદાવાદઃ શહેરમાં નવા પોલીસ કમિશનર આવ્યા બાદ દારૂ-જુગારની બદી ડામવા સતત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે બાપુનગર હદમાંથી દારૂની હેરાફેરી ઝડપી હતી. આજે શહેર ક્રાઈમ બ્રાન્ચે દારુનું આખુ ગોડાઉન ઝડપી લીધું છે.
પીઆઈને મળી બાતમીઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. પી.કે ગોહિને દારુના ગોડાઉન વિશે બાતમી મળી હતી. જેમાં જગતપુરના ગોદરેજ ગાર્ડન સિટી રોડ નજીક પ્રહલાદ પાર્ક સોસાયટીના કોમન પ્લોટ તેમજ ચાંદખેડાના મુખી એસ્ટેટ, શેડ નંબર 5માં દારુના જથ્થાની વિગતો મળી હતી.
રેડમાં જપ્ત મુદ્દામાલઃ ક્રાઈમ બ્રાન્ચે મુખી એસ્ટેટ ખાતે રેડ કરીને દસ લાખ રૂપિયાથી વધુની કિંમતની 4,968 દારુની બોટલો, એક ડિલીવરી વાન અને પાંચ મોબાઇલ ફોન સહિત 11,17,000 થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. આ ઉપરાંત વીકી પરિહાર, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ પઢીયાર, અભિષેક રાજપુત, કેસરસિંહ ઝાલા તેમજ હર્ષદ ઉર્ફે હિતેશ પ્રજાપતિ નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
મોડસ ઓપરન્ડીઃ ધર્મેન્દ્રસિંહ તેમજ યોગેન્દ્ર સિંહ બહારથી દારૂનો જથ્થો મંગાવતા. ત્રાગડ ખાતેના એસ્ટેટમાં ભુસા અને પાણીના બોક્સની આડમાં દારુ છુપાવી દેતા હતા. અહીંથી અભિષેક રાજપૂત, કેસરસિંહ ઝાલા તેમજ હર્ષદ ગ્રાહકોને દારુ પહોંચાડવાનું કામ કરતા. સમગ્ર અમદાવાદમાં એક મારુતિ વાનનો ઉપયોગ ડિલીવરી વાન તરીકે કરવામાં આવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ ડિલીવરી વાનમાંથી 24 દારુની બોટલની ડિલીવરી દરમિયાન જ વીકી પરિહાર અને ધર્મેન્દ્ર પઢીયારની ધરપકડ કરી હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડાના કુખ્યાત બુટલેગર યોગેન્દ્ર ઉર્ફે પીન્ટુની શોધખોળ હજુ પણ ચાલુ રાખી છે.
રીઢા ગુનેગાર ઝડપાયાઃ આરોપી વિકી પરિહાર વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં, પપ્પુ પઢીયાર વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં, અભિષેક રાજપૂત વિરુદ્ધ રામોલ, નિકોલ, ગાંધીનગર તેમજ કેસરસિંહ ઝાલા વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અને હિતેશ પ્રજાપતિ વિરુદ્ધ માધુપુરા, વલસાડ, શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ધરપકડ થયેલ હોવાનું સામે આવ્યું છે.
Vadodara Liquor News : 81 લાખથી વધુના દારૂના મુદ્દામાલ સાથે બિશ્નોઈ ગેંગનું નેટવર્ક ઝડપાયું