અમદાવાદ : અમદાવાદ સીટી સિવિલ કોર્ટે પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. આરોપી 17 વર્ષ અને 06 મહિનાની સગીરાને ફોસલાવીને સુરત લઈ ગયો હતો, જ્યાં હાઇવે પરની એક હોટેલની બાજુના મકાનમાં 24 દિવસ રહીને તેની સાથે 4-5 વખત દુષ્કર્મ આચર્યું હતું.
શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, પીડિતાને આરોપીએ તેને ફોન કરીને CTM બોલાવી હતી, ત્યાંથી ઇકો ગાડીમાં તેઓ સુરત ગયા હતા. 24 દિવસ તેની સાથે રહીને તેણે પીડીતા ઉપર ચાર પાંચ વાર દુષ્કર્મ આચર્યું હતું. 24 દિવસ બાદ પૈસા ખૂટી પડતા તેઓ ઘરે પરત ફર્યા હતા. આરોપી અમિત સામે અમરાઈવાડી પોલીસ મથકે વર્ષ 2021માં આરોપી અમિત સામે IPCની કલમ 363, 366, 376(2), અને પોકસો એકટની કલમ 3, 4, 5, 6 તેમજ 18 અંતર્ગત ગુન્હો નોંધાયો હતો.
દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી : સમાજમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જાતીય ગુન્હાઓ ખૂબ જ વધ્યા છે. તેથી સમાજમાં દાખલો બેસાડવાની જરૂર છે. આથી કોર્ટે આરોપીને પોક્સો એક્ટ અંતર્ગત 20 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટ સમક્ષ 10 સાહેદો અને 16 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. દસ્તાવેજી પુરાવાઓમાં ભોગ બનનારનું સારવાર સર્ટિફિકેટ, આરોપી તથા ભોગ બનનારના કપડા, FSLનો રીપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. - સરકારી વકીલ ભરત પટણી
પરિવારો વચ્ચે સમાધાન થયું હતું : કોર્ટ સમક્ષ આરોપીને આ કેસમાં ખોટી રીતે સંડોવાઈ દેવાની રજુઆત કરવામાં આવી હતી. તેનું કહેવું હતું કે, બંન્ને વચ્ચે પ્રેમ સબંધ હતો. જો કે ભોગ બનનારે તેનો ઇન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઘટનાના એક વર્ષ પહેલાં પણ આરોપી સગીરાને ભગાડી ગયો હતો, જો કે સમાજ દ્વારા સમાધાન થતા પોલીસ ફરિયાદ નોંધાઇ નહોતી.