અમદાવાદ : બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મણિપુર ગામમાં એક વેપારી સાથે અજીબો ગરીબ રીતે ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. બપોરના સમયે એક દંપતી નાની બાળકી સાથે આવ્યા હતા અને વેપારીને વશીકરણ કરીને રૂપિયાની ચોરી કરી છે. જોકે વેપારીને બાદમાં પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા આ અંગે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે CCTVના આધારે તપાસ કરી છે.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મણિપુર ગામમાં મીની મોલ ચલાવતા અશોક બળદેવ બપોરના સમયે દુકાન પર બેઠા હતા, ત્યારે એક સ્ત્રી, પુરુષ એક બાળકી સાથે આવ્યા હતા અને દુકાનમાંથી છાશ અને કોલ્ડ્રિંક્સ ખરીદી હતી. જે બાદ ખરીદી કરેલી વસ્તુના રૂપિયા આપ્યા હતા અને વેપારીને જણાવ્યું કે અમે લોકો એન.આર.આઈ છીએ, દુબઈથી આવ્યા છીએ. જેથી અમારી પાસે ભારતીય ચલણી નોટો નથી. જો તમે વસ્તુના બદલે ડોલર સ્વીકારો તો અમે બીજી વસ્તુની ખરીદી કરીએ. જે બાદમાં તે વ્યક્તિએ પોતાના પર્સમાં પડેલા ડોલર વેપારીને બતાવ્યા અને બાદમાં જાણે કે વેપારીને કોઈ વાતનો ખ્યાલ જ નો હોય તેમ એન.આર.આઈની ઓળખ આપનાર વ્યક્તિ ગલ્લા પાસે પહોંચી ગયો અને ગલ્લામાંથી રૂપિયાની ચોરી કરી હતી.
દુકાનના માણસે વેપારીને પુછ્યું : અજાણ્યા વ્યક્તિએ ગલ્લામાંથી રૂપિયા પોતાના પાકીટમાં રાખ્યા, ત્યારે દુકાનમાં કામ કરી રહેલો છોકરો ત્યાં આવી પહોંચતા દંપતી બાળકીને લઈને ત્યાંથી નાસી ગયા હતાં. જે બાદ દુકાનના માણસે વેપારીને પૂછતા વેપારીને કઈ પણ ખ્યાલ નહીં હોવાનું જણાવ્યું હતું. વેપારીને શંકા જતા તેને દુકાનના CCTV ચકાસતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ અંગે બોપલ પોલીસે ચોરીનો ગુનો નોંધી CCTVના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ આ મામલાને વેપારીની નજર ચૂકવી ચોરી કરી હોવાની ઘટના બતાવી રહી છે, ત્યારે હવે ખરેખર હકીકત શું છે તે આરોપી પકડાયાં બાદ જ ખ્યાલ આવશે.
આરોપીઓ દુકાનના કાઉન્ટરમાંથી 23 હજાર 500 રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે, આ અંગે બોપલ પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓને પકડવા ટીમો કામે લગાડવામાં આવી છે. આરોપીએ નજર ચુકવીને ચોરી કરી છે. - એ.પી ચૌધરી (PI, બોપલ પોલીસ સ્ટેશન)
વેપારીને કઈ ખ્યાલ ન રહ્યો : વેપારીના જણાવ્યા મુજબ અજાણ્યા પુરુષે પોતાના પર્સમાં ડોલર બતાવ્યા બાદ વેપારીને કોઈપણ વસ્તુનો ખ્યાલ રહ્યો ન હતો. જોકે ગલ્લા સુધી અજાણ્યો વ્યક્તિ પહોચ્યો અને વેપારીની નજર સામે જ ગલ્લામાં હાથ નાખી રોકડા રૂપિયા ચોરી લીધા હતા. હાલ તો વેપારીની ફરિયાદને આધારે બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે.