અમદાવાદ : યુનેસ્કો હેરિટેજ વિભાગ દ્વારા 2017માં અમદાવાદ શહેરને દેશનું પ્રથમ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને શહેરનાં વારસાને યાદ કરાવવા લાલ દરવાજા ટર્મિનસ હેરિટેજ લુક ધરાવતું ટર્મિનસ બનાવવા માટે પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજે અમદાવાદ લાલ દરવાજા ટર્મિનસને નવો લુક આપવામાં આવ્યો છે. અમદાવાદની એક અલગ ઓળખ છે. શરીરમાં જેમ લાલ રંગનું મહત્વ છે. તેવી જ રીતે અમદાવાદ શહેરની AMTS પણ શહેરની જનતા માટે ખૂબ જ મહત્વની છે. જોવાનુ જોગ કે આઝાદીના 75 વર્ષ પુરા થયા છે, ત્યારે AMTS બસ પણ અમદાવાદ શહેરમાં ચાલુ કરીને 75 વર્ષ પૂર્ણ થયા છે. એક સમય એવો હતો કે ખરાબ બસ સાથે અમદાવાદ શહેરનું નામ જોડાયેલું હતું, પરંતુ આ જ અધ્યતન આધુનિક બસ પણ જોવા મળી રહી છે. - ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)
2588 ચોરસ મીટર તૈયાર : અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા લાલ દરવાજા ટર્મિનસ 11,583 ચોરસ મીટર સમાયેલા છે. જેમાં હેરિટેજ બિલ્ડીંગ 2588 ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેશન તૈયાર કરવા માટે જોધપુરી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બસ સ્ટેન્ડમાં ઓફિસ સ્ટાફ, પ્રવાસીઓ માટે વેટિંગ રૂમ, કેશ કલેકશન, મીટીંગ હોલ, પાણી વ્યવસ્થા, CCTV, 0થી 8 પ્લેટફોર્મ, સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે.
62 રુટની બસનું સંચાલન થશે : લાલ દરવાજા ટર્મિનસ તૈયાર થતા જ 0થી 8 પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. જે અમદાવાદ શહેરના પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ એમ ચારેય દિશાઓમાં જવા આવવા માટે 62 જેટલા રૂટ પર 201 જેટલી સિટી બસનું સંચાલન કરવામાં આવશે. જેના થકી શહેરના 1.60 લાખ જેટલા પ્રવાસીઓ લાભ થશે. જે જુદા જુદા વિસ્તારોમાંથી રોજબરોજ વ્યવહારો, નોકરી, ધંધા તેમજ સામાજિક કામો માટે અવરજવર કરતા લોકોને ખૂબ મદદરૂપ થશે.