અમદાવાદ : ગતરોજ સિંધુ ભવન રોડ પર આવેલા ગેલેક્ષી સ્પા બહાર સ્પા સંચાલક દ્વારા એક મહિલાને મૂઢ માર મારવાના કેસમાં અંતે પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ મામલે પોલીસે છેડતી અને મારમારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી હતી. આરોપીએ હેવાનિયતની હદ વટાવી મહિલાને વાળ પકડી ઢસડી અને કપડાં પણ ફાડી નાખ્યા હતા. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
શું હતો મામલો ? સિંધુભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પા બહાર બનેલી ઘટનામાં સ્પાના સંચાલક મોહસીન દ્વારા એક મહિલાને અમાનવીય રીતે માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. જે કેસમાં પોલીસે વીડિયોના આધારે સ્પામાં જઈ તપાસ કરી હતી. પરંતુ ત્યાં મહિલા કે આરોપી મળ્યા નહોતા. જોકે ત્યારબાદ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહિલા અને આરોપીને શોધવા ટીમ કામે લગાડી હતી. અંતે મહિલા મળતા આ મામલે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
ભોગ બનનાર મહિલાનુું નિવેદન : જોકે આ વચ્ચે મહિલાનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, આ ઘટના 25 સપ્ટેમ્બરની છે. મેં અને મોહસીને ભાગીદારીમાં લેડીઝ સલૂન ખોલ્યું હતું. જેમાં 4-5 હજારનું નુકસાન થતા હું ત્યાં કામ કરતી એક છોકરી પર ગુસ્સે થઈ હતી. તો મોહસીને મારી પાસે આવીને તું કેમ ગુસ્સે થઈ પૂછ્યું હતું. જેથી મેં મોહસીને તેના અને યુવતી વચ્ચે શું સંબંધ છે તેવું પૂછતાં તેણે મને મારવાનું શરૂ કર્યું હતું.
યુવતીએ ફરિયાદ નોંધાવી : ભોગ બનનાર મહિલાએ વધુમાં જણાવ્યું કે, મેં પોલીસને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ તેણે મને માર મારીને મારો ફોન પણ છીનવી લીધો હતો. બાદમાં મારા ફોનની બેટરી લો થઈ જતા ફોન બંધ થઈ ગયો હતો. તે સતત મને માર મારી રહ્યો હતો. બાદમાં તેણે મારી પાસે માફી માંગી જેથી હું પોલીસ પાસે ગઈ ન હતી. યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, હું ફરિયાદ કરવા માંગતી નથી. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ મને બધાએ સમજાવી એટલે અંતે મેં આ ફરિયાદ નોંધાવી છે.
આરોપીની ધરપકડ : આ અંગે એન ડિવિઝન ACP એસ.એમ. પટેલે જણાવ્યું હતું કે, આ ઘટનાનો વીડિયો વાયરલ થયો અને પોલીસને જાણ થતા પોલીસે યુવતીને શોધી તેને સમજાવી ફરિયાદ કરવા માટે તૈયાર કરી હતી. બંને વચ્ચે ભાગીદારી હોય તે બાબતે યુવતી પર ગુસ્સો થવા બાબતે મોહસીન રંગરેજે મહિલાને માર માર્યો અને બાદમાં માફી માંગી હતી. જોકે હાલ અમે આરોપીની ધરપકડ કરી છે