અમદાવાદ : શહેરમાં થોડા વર્ષો પહેલા વિસ્મય શાહ દ્વારા હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં તેણે BMW કારથી એક વ્યક્તિને અડફેટે લઈને મોતને ઘાટ ઉતાર્યો હતો, ત્યારે તે જ પ્રકારની વધુ એક હિટ એન્ડ રનની બનાવ સામે આવ્યો છે. જેમાં બેફામ રીતે BMW ગાડી 160-170ની સ્પીડે હંકારી એક નબીરાએ એક દંપતીને અડફેટે લીધા છે.
શું છે સમગ્ર મામલો : પહેલી માર્ચએ રાતના પોણા બાર વાગે સોલામાં સીમ્સ હોસ્પિટલ રોડ પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપીએ BMW કાર પૂરઝડપે બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી બી.આર.પાર્ક પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં ચાલીને પસાર થતા અમીતભાઈ દેવકીનંદન સિંઘલ અને તેમની પત્નિ મેઘાબેનને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે ઘટનામાં અમિત સિંઘલને જમણા પગે ઘુટીના ભાગે ફ્રેક્ચર તેમજ મેઘાબેનને ડાબા પગે ઘુંટણના ભાગે ફ્રેક્ચર કરી અને થાપાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો : દીકરીને ઘરે જઈ રહેલા દંપતીનું દર્દનાક મૃત્યુ, નંબર પ્લેટ વિનાની કારના ચાલકે મારી ટક્કર
કાર ચાલકે ભાગવાનો કર્યો પ્રયાસ : જે ઘટના બાદ કાર ચાલકે કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે અન્ય લોકોએ કાર ચાલકનો પીછો કરતા આરોપીએ સોલા ભાગવત પાસે કાર બિનવારસી મૂકીને ફરાર થઇ ગયો હતો. આ મામલે ફરિયાદીએ સારવાર લીધા બાદ ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા બાદ અંતે ટ્રાફિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે IPC ની કલમ 279, 337, 338 તેમજ મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134 (બી) મુજબ કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો : બોપલમાં દારૂના નશામાં કાર ચલાવી આધેડને મોતને ઘાટ ઉતારનાર કાર ચાલકની ધરપકડ
કોણ હતો અકસ્માત સર્જનાર : આ અકસ્માત સર્જનાર સત્યમ શર્મા હોવાનું સામે આવ્યું છે, જેણે મોડી રાત્રે પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં કારની સ્પીડ 167 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોવાનું જોવા મળ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ આરોપી ફરાર થતા પોલીસે તપાસ કરતા આરોપીની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. આ મામલે સોલા પોલીસે બે અલગ અલગ ગુના નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ટ્રાફિક ACP એ.પી.રાઠવાએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કારચાલકને પકડવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે. કારમાંથી ઝડપાયેલા દારૂ મામલે સોલા પોલીસ મથકે અલગથી ગુનો નોંધાયો છે.