અમદાવાદ: કાંકરિયા વિસ્તારમાં રહેતા ઉદયભાઇ જાદવ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. માલિશનું કામ કરતા જીવનની કેરિયર ની શરૂઆત કરી અને આજે તેઓ મોટીવેશનલ સ્પીકર તરીકેની નામના મેળવી ચૂક્યા છે. વર્ષ 2010 થી તેઓએ રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું પરંતુ તેઓની રીક્ષા અન્ય સામાન્ય રિક્ષાઓ જેવી નથી તેઓને રીક્ષામાં બેસનારને એક વૈભવી રિક્ષામાં બેઠા હોવાનો અનુભવ થાય છે.
અમદાવાદ સીટીની મુસાફરી: ઉદયભાઇ જાદવે અમદાવાદની હેરિટેજ ટુરમાં દેશ-વિદેશના મહાનુભાવોને ફેરવ્યા છે અને તેઓની રીક્ષાની ખાસિયત એ છે કે તે રિક્ષામાં આગળ ગાંધીજીનો ચરખો રાખે છે. રીક્ષામાં બેસનાર મુસાફરને વાંચવા માટે આખી લાયબ્રેરી, નાના બાળકો માટે ચોકલેટ, રમકડાં સહિતના અનેક સાહિત્ય મળી જાય છે તેમજ રિક્ષામાં પંખો લાઈટ અને ડસ્ટબીન આ પ્રકારની લક્ઝરીયસ સુવિધાઓ આપવામાં આવે છે. ઉદયભાઇ જાદવની રિક્ષામાં અત્યાર સુધીમાં દેશના અનેક બોલીવુડ કલાકારો સંતો મહંતો તેમજ રાજકારણીઓ બેસી ચુક્યા છે.જેમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમજ અન્ય બોલીવુડ કલાકારો જેમાં કાજોલ, જયાપ્રદા, તેમજ પૂજ્ય કથાકાર મોરારીબાપુ અને મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ તેમજ ભૂતપૂર્વ રાજ્યપાલ સહિતના મહાનુભાવો સહિત વિદેશના પણ અનેક પ્રસિદ્ધ લોકોએ અમદાવાદ સીટીની મુસાફરી કરી છે.
" ગાંધીની વિચારધારા થી ઘણા વર્ષોથી રીક્ષા ચલાવું છું. અતિથિ દેવો ભવ આ સૂત્ર સાથે હું કામ કરું છું, એને કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે તો સારી ભાવના અને સારા વિચારો સાથે જાય તે મુખ્ય હેતુ રહે છે. આપણા માટે તો સૌ કોઈ જીવે છે, પરંતુ બીજાના માટે જીવીએ તે જ ખરું જીવન છે. આ રીક્ષા હવે ઓટો નથી રહી પરંતુ હવે તેના થકી હું લોકો સુધી પહોંચવાનું કામ કરું છું"--ઉદયભાઇ જાદવ (રીક્ષા ચાલક અને મોટિવેશન સ્પીકર)
હેરિટેજ સિટી અંગે માહિતી: ઉદયભાઇ જાદવ દ્વારા પોતાની રીક્ષામાં જે પણ મુસાફર મુસાફરી કરે છે. તેની પાસેથી રીક્ષા ભાડું વસૂલ કરવામાં પણ પોતાની દિલદારી બતાવે છે. તેઓની પાસેના એક બોક્સમાં "PAY FROM YOUR HEART' એવા લખાણથી મુસાફરો દિલથી જે રકમ ભાડા પેટે આપે તે લઈ લે છે. તેમાંથી પણ અમુક રકમ સેવામાં ઉપયોગ કરે છે. ઉદયભાઇ જાદવ ગાંધીવાદી વિચારો સાથે વર્ષોથી અમદાવાદના રિક્ષાવાળા તરીકેની ઓળખ ધરાવે છે અને ગાંધી આશ્રમમાં મુલાકાત લેવા આવતા દેશ-વિદેશના મહેમાનોને અમદાવાદ શહેર અને હેરિટેજ સિટી અંગે સંપૂર્ણ માહિતી આપે છે.
મોટીવેશનલ સ્પીચ: માત્ર ધોરણ 10 સુધી ભણેલા ઉદયભાઈ જાદવ તેઓની છેલ્લા 13 વર્ષની સફરમાં તેઓ રીક્ષા ચાલકથી લઈને હવે મોટીવેશનલ સ્પીકર તરીકેની ઓળખ ધરાવતા થયા છે. હવે મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી એક સંસ્થા માટે દર અઠવાડિયે મોટીવેશનલ સ્પીકર તરીકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. અને આવી જ રીતે અનેક જાણીતી સંસ્થાઓમાં તેઓ મોટીવેશનલ સ્પીચ પણ અવારનવાર આપે છે.