અમદાવાદ : સિંધુ ભવન રોડ ઉપર કારમાં સ્ટંટ કરવા મામલે સામેલ આરોપીને ઝડપીને પોલીસે હાલમાં જ કાયદાનો પાઠ ભણાવ્યો છે, ત્યારે વધુ એક સ્ટંટ બાજીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવક ચાલુ એક્ટિવા પર ઉભો રહીને સ્ટંટબાજી કરતો હોય જે વિડિયો મેઘાણીનગર વિસ્તારનો હોવાની માહિતી મળતા જ ટ્રાફિક પોલીસે ત્વરિત એક્શન લઈને વાહન ચાલક યુવકની ધરપકડ કરી તેનું વાહન કબજે કર્યું છે.
કોણ હતો યુવક આ : સોશિયલ મીડિયામાં એક વિડીયો હાલમાં સામે આવ્યો હતો, જેમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા મેન્ટલ બારી રોડ પર એક એક્ટિવા ઉપર બે યુવકો પસાર થઈ રહ્યા હોય અને એકટીવા ચલાવનાર યુવક ચાલુ વાહને પર ઉભો થઈને સ્ટંટ કરતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે વિડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો હોય તેના આધારે પોલીસે ખાનગી રાહે વિડીયો મળતા જ તપાસ શરૂ કરી હતી અને ત્વરિત કાર્યવાહી ચાલુ કરી હતી. જેમાં અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા મનીષ પ્રકાશભાઈ પટણી નામના 23 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેની પાસેથી એક્ટિવા પણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે યુવક સામે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ગુનો દાખલ કરવાની કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે.
વાયરલ વિડીયો ધ્યાને આવતા જ કાર્યવાહી કરીને ચાલકને પકડી પાડવામાં આવ્યો છે અને તેની સામે ગુનો પણ દાખલ કરાયો છે. કોઈપણ પ્રકારની સ્ટંટ બાજી પોલીસ દ્વારા ચલાવી લેવામાં નહીં આવે અને શહેર પોલીસ વતી અમે વિનંતી કરીએ છીએ કે તમારા ધ્યાને આવો કોઈ પણ વિડીયો આવે તો અમને આપો જેથી તેમાં ત્વરિત કાર્યવાહી કરી શકાય. - સફીન હસન (શહેર પૂર્વ ટ્રાફિકના DCP)
પ્રસિદ્ધિ મેળવવા બનાવ્યો વિડીયો : પકડાયેલા યુવક દ્વારા પોતાના સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનો વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું અને તેણે જોખમી રીતે સ્ટંટ કરી પોતાના તેમજ તેની આસપાસના લોકોના જીવ જોખમમાં મૂક્યા હોય તેની સામે કડક કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.