અમદાવાદઃ અમદાવાદના મણીનગર વિસ્તારમાં વલ્લભવાડી જવાહર ચોક ખાતે રાત્રે 12:30 કલાકે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર ચાલક ઇસનપુર વિસ્તારમાંથી દારૂના નશામાં કાર લઈને પસાર થતો હતો, તે સમયે અચાનક સામેની ગાડીની લાઈટની ડીપર વાગતા તેને આંખો અંજાઈ જતા સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો. વલ્લભવાડી રોડ ઉપર રમુજીલાલ હોલ પાસે એક્સિસ બેન્ક સામે ફૂટપાથ ઉપર ગાડી પલટી ખાઈ ગઈ હતી.
કોણ છે આઃ આ ઘટનામાં મારુતિ સુઝુકી કંપનીની સિયાઝ ગાડી જેનો નંબર GJ 27 AP 4361 હોવાનું સામે આવ્યું છે. આ મામલે તપાસ કરતા ગાડીનો ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. તેનું નામ કેદાર હિરેનભાઈ દવે (25) (આનંદ સોસાયટી ઇસનપુર) છે. તેની પૂછપરછ કરતા પોતે 60 થી 80ની સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. પોતાના મિત્ર પ્રીત મિતેશકુમાર સોની, ઋત્વિક માંડલિયા અને સ્વરાજ જાદવને પોતાની ગાડીમાં બેસાડી બિયર પીને ઘરે ઉતારવા જતો હતો. જોકે, આ અંગે પોલીસે સ્પષ્ટતા કરી છે.
આ મામલે મોડી રાત્રે ગુનો દાખલ કરવામા આવ્યો છે. કારમાં સવાર તમામ લોકો નશામાં હતા. કાર ચાલક સામે જે ડિવિઝનમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી અટકાયત કરાઈ છે. જ્યારે કારમાં સવાર અન્ય 3 લોકો સામે મણિનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.---એ.ડી ગામીત (પીઆઈ,જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન)
ગાડી પલટી ગઈઃ એ સમયે જવાહર ચોક તરફ રસ્તા ઉપર સામેથી આવતી અજાણી ગાડીના લાઈટના ડીપરના કારણે આખો અંજાઈ જતા ડાબી બાજુ ટન મારતા ગાડી પલટી ખાઈ ગઈ હોવાની કબુલાત કરી હતી. આ મામલે ગાડીમાંથી વિદેશી બનાવટની બિયરની 3 બોટલ કારમાંથી મળી આવી હતી. કારમાં સવાર અન્ય યુવક યવકોએ પણ બિયર પીધી હોવાનું સામે આવતા આ સમગ્ર મામલે કાર ચાલક સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુનો જે ડિવિઝન ટ્રાફિક પોલીસ માથાકે નોંધાયો છે.
પ્રોહિબિશનનો ગુનોઃ જ્યારે પ્રોહિબિશનનો ગુનો મણીનગર પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે આઈપીસીની કલમ 269, 427 તેમજ મોટર વ્હીકલ એક્ટ 185 મુજબ કાર્યવાહી કરીને કારચાલકની અટકાયત કરી છે. જ્યારે મણિનગર પોલીસે ગુનો દાખલ કરી કારમાં સવાર ત્રણ લોકોની અટકાયત કરી છે.