અમદાવાદ: શહેરના ગુરુકુળ રોડ પર આવેલા હિમાલયા મોલના ગેમ ઝોનમાં યુવાનો અને કિશોરોના એક ગ્રુપ વચ્ચે માથાકૂટ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે આ માથાકૂટમાં એક યુવતીએ કિશોરોને ભૂંડી ગાળો ભાંડી હતી. ગેમ ઝોનમાં રમતા રમતા કિશોરો યુવાનોના ગ્રુપમાં ભૂલથી જતા રહેતા મામલો બિચકયો હતો. જેમાંથી માથાકૂટ શરૂ થઈ ગઈ હતી. મારા મારી સુધી પહોંચેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જે મામલે કિશોર ના પિતા દિનેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ યુવાનો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદના આધારે એમની સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા હતા.
સીસીટીવીમાં કેદ: મારામારીની સમગ્ર ઘટના મોલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જે ગુનાના આધારે પોલીસે મિહિર, રાહીલ, પૂજન અને કાવ્યા મિશ્રા નામની યુવતી એમ કુલ ચાર લોકોની ધરપકડ કરી હતી. તેઓની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ કરવી હાથ ધરી જામીન ઉપર મુક્ત કર્યા હતા. જોકે આ મામલે કિશોરના પરિવારજનોએ તમામ યુવકો સાથે કડક કાર્યવાહી થાય તે પ્રકારની પણ માંગ કરી હતી.
ચાર યુવકોની ધરપકડ: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નબીરાઓ છાકટા બન્યા હોય તે પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વસ્ત્રાપુરમાં આવેલા હિમાલયા મોલમાં ગેમિંગ ઝોનમાં 20 થી 25 વર્ષના યુવકોએ 15-16 વર્ષના સગીરોને સામાન્ય બાબતમાં ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર ઘટનામાં સીસીટીવીના આધારે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ યુવતી સહિત ચાર યુવકોની ધરપકડ કરી છે.
બોલિંગ એરિયામાં: આ સમગ્ર મામલે દિનેશ ગર્ગ નામના 54 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓના 15 વર્ષના દીકરાને બોર્ડની પરીક્ષાઓ પૂરી થતાં મિત્રો સાથે હિમાલયા મોલમાં ગયો હતો. ત્યાં ત્રીજા માળે આવેલા ગેમીંગ ઝોનમાં બોલિંગ એરિયામાં રમી રહ્યા હતા. તે દરમિયાન ભૂલથી મોટા છોકરાઓ રમતા હોય તે લાઈનમાં જતા રહેતા તે લાઈનમાં રમતા મિહિર નામના યુવકે એક કિશોરને ગાળો બોલીને લાફો માર્યો હતો અને નાક ઉપર મુક્કો માર્યો હતો.આ અંગે ફરિયાદી દિનેશ ગર્ગ એ જણાવ્યું હતું કે નાના બાળકોથી ભૂલ થાય તો યુવાનોએ તેઓને સમજાવવું જોઈએ ના કે આ પ્રકારે ઢોર મારવો જોઈએ. મારા દીકરા અને તેના મિત્ર હાલ એટલા ગભરાઈ ગયા છે કે તેઓ વાત પણ કરતા નથી.
ગુનો દાખલ: અન્ય સગીર તેઓને છોડવા જતા કાવ્યા મિશ્રા નામની યુવતીએ બીભત્સ ગાળો બોલીને સગીરને 5-6 લાફા મારી જમીન પર સુવડાવી પાટુનો માર માર્યો હતો. જે સમયે તેની સાથે રાહિલ અને પૂજન નામના યુવકો સગીરોને માર મારવા લાગ્યા હતા. જે બાદ ચારેય યુવાનોએ સગીરોને અહીં રમવા આવશો તો જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકી આપી હતી. જોકે સગીરે પિતાને જાણ કરતા આ મામલે સગીરના પરિવારજનો ત્યાં પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે મારામારીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.