અમદાવાદ : શહેરના શાહી બાગ વિસ્તારમાં પાયલબેન દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે, 3 ઓક્ટોબરના રોજ તેમની માતા જમનાબેન અને ભાઈ આશિષ તેમના ઘરે આવ્યા હતા. જ્યાં દિવસ દરમિયાન રોકાઈને બન્ને પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારે 4 ઓક્ટોબરની સવારે 3:30 કલાકે આશિષ પાયલબેનને લેવા ગયો હતો અને જણાવ્યું હતું કે, તેમના માતા રસ્તા પર જતા સમયે બાઇક પરથી પડી ગયા હતા.
જે બાદ બન્ને ભાઈ બહેન ગિરધરનગર પાસે જ્યાં માતા અર્ધબેભાન હાલતમાં હતા, ત્યાં પહોંચ્યા હતા. સ્થળ પર જઈને જોતા જમનાબેનને ડાબા કાનમાંથી તેમજ મોઢામાંથી લોહી નીકળતું હતું અને જમનાબેને દીકરી પાયલને જણાવ્યું કે, આશીષે તેમને માર માર્યા છે. જે બાદ જમનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આશિષ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો.
જમનાબેનનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાના પ્રયાસમાંથી આશિષ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે અને પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આશિષને 50 વર્ષની એક આધેડ મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. જેથી જમનાબેનને આ પ્રેમ સંબધ મંજૂર ન હતો. જે કારણે આશિષ અને તેની માતા જમનાબેન વચ્ચે અવારનવાર તકરાર થતી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રેમ પ્રકરણમાં આશિષે તેની માતાને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું, જેમાં માતાનું મોત થયું છે. શાહી બાગ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.