- મિત્ર સાથે મિત્રએ જ કરી રૂપિયા 17 લાખની છેતરપિંડી
- સહી કરાવવાના બહાને લઈ ગયો હતો કોલકાતા
- ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું
અમદાવાદ: શહેરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્કુલમાં સાથે ભણતા મિત્રએ જ તેના મિત્રને વિશ્વાસમાં લઈને એરલાઈન્સ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી અપાવવાનું કહીને 17 લાખ રૂપિયા પડાવીને છેતરપીંડી આચરી હતી. જે મામલે પોલીસે ગુનો નોધીને તપાસ શરુ કરી છે.
ફેસબુકથી થયો હતો સંપર્ક
અમદાવાદ શહેરના જશોદાનગર ખાતે રહેતા મેહુલ વંડીકર વડોદરામાં એક કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. તે જ્યારે અમરાઈવાડી ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, ત્યારે તેની સાથે હર્ષદ પાટીલ નામનો વિદ્યાર્થી પણ ભણતો હતો. જોકે, સ્કૂલ પૂરી થયા બાદ તે બન્ને મળ્યા ન હતા. વર્ષ 2019માં મેહુલનો તેના સ્કૂલ મિત્ર હર્ષદ સાથે ફેસબુકથી સંપર્ક થયો હતો. જે બાદ બન્ને મિત્રો એકબીજા સાથે વાત કરતા હતા. ત્યારે હર્ષદે જણાવ્યું કે, તે એરપોર્ટ ખાતે એર ટ્રાફિક કન્ટ્રોલર તરીકે નોકરી કરે છે.
એરક્રાફ્ટ એન્જિનિયર તરીકે નોકરી અપાવવાની આપી લાલચ
હર્ષદે મેહુલને દિલાસો આપ્યો કે, તે મેહુલને એરલાઇન્સમાં એરક્રાફ્ટ એન્જિનિયર તરીકે નોકરી અપાવશે. હર્ષદે મેહુલને વિશ્વાસમાં લઈને અલગ અલગ કામના 6 લાખ અને બાદમાં 11 લાખ રૂપિયા એમ કુલ 17 લાખ રૂપિયા પડાવ્યા હતા.
અન્ય લોકોને પણ આ રીતે છેતર્યા હોવાનું ખુલ્યું
પૈસા લઈ લીધા બાદ હર્ષદ લોકડાઉનનું બહાનુ કાઢીને વાત ટાળતો હતો. જે દરમિયાન એક વખત સહી કરાવવાના બહાને હર્ષદ મેહુલને કોલકાતા લઈ ગયો હતો. જોકે, ત્યાંથી પણ કામ કરાવ્યા વિના મેહુલને પરત મોકલ્યો હતો. જે બાદ મેહુલે તેના રૂપિયા 17 લાખ પરત માગ્યા હતા. જેથી હર્ષદે કહ્યું કે, આ બધું લખીને આપવું પડશે. જે બાદ મેહુલે તપાસ કરી તો હર્ષદે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જે કારણે મેહુલે આ મામલે ફરિયાદ નોધાવી હતી. જે અંગે પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, હર્ષદે અન્ય લોકોને પણ આ રીતે નોકરીની લાલચ આપીને છેતર્યા છે.