- નિકોલમાં PCBના દરોડા
- પાર્કિંગની લોડીંગ ગાડીમાંથી મળ્યો દારૂ
- 96 બોટલ દારૂ મળી આવ્યો
અમદાવાદ:શહેરના નિકોલ વિસ્તારમાં દારૂની હેરાફેરી પર PCBએ કાર્યવાહી કરી છે. PCBએ નિકોલ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નિકોલમાં આરોપી લોડિંગ રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂ છુપાવી રાખતો હતો અને રિક્ષા ઓળખીતાના ફ્લેટનાં પાર્કિગમાં મૂકી રાખતો હતો.
કેવી રીતે મળ્યો દારૂનો જથ્થો?
શહેરના નિકોલમાં આવેલી કે.પી રેસીડેન્સી નામના ફ્લેટના પાર્કિગમાં એક લોડિંગ રિક્ષામાં દારૂનો જથ્થો છુપાવેલો છે તેવી બાતમી મળતા PCBની ટીમે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. ફ્લેટમાં પડેલી રિક્ષા બાબતે સિક્યુરિટીને પૂછતાં કહ્યું હતુ કે તે રિક્ષા ફ્લેટમાં રહેતા નીમાબેન નામની મહિલાના સંબંધીની છે. જેથી પોલીસે તેમને બોલાવી પૂછતાં નટુભાઈ પટેલ જે તેમના સંબંધી છે, તેમની આ રિક્ષા છે તેવું જાણવા મળ્યું હતું. બાદમાં રિક્ષામાં ડ્રાઈવર સીટ નીચે જોતા ખાનું બનાવેલું હતું. જેમાં અલગ-અલગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. PCBએ દરોડા કરતા દારૂની કુલ 96 બોટલ એટલે કે 89,760 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત દારૂનો વેપાર કરનાર નટુ પટેલ અને તેના ભાણિયા ચિરાગ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે.