અમદાવાદ: જો તમને કોઈ ફોન કરીને લાઈટ બિલ ભરાયું નથી, તેવું કહીને સંપર્ક કરે તો તમે ચેતી જજો કારણ કે આ કોલ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ ગ્રામ્યના બોપલમાં સામે આવ્યો છે, વિરમગામ તાલુકાની ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરીને નિવૃત્ત થયેલ આચાર્ય સાથે રૂપિયા 68 લાખ 76 હજારની છેતરપિંડી આચરવામાં આવી છે.
વોટ્સએપ પર મેસેજ કરીને ઠગાઈ: નિવૃત્ત આચાર્ય સાથે સાયબર ફ્રોડસ્ટરો દ્વારા વોટ્સએપ પર મેસેજ કરીને UGVCLના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી વીજળીનું બિલ બાકી હોવાનુ કહી છેતરપીંડી કરી છે. ફરિયાદીએ ગુગલ પેના માધ્યમથી પહેલાથી બિલ ભરી દીધું હોવા છતાં બિલ ન ભરાયું હોવાનું કહીને કાપી નાખવાની ધમકી ફ્રોડસ્ટરોએ આપી યોનો એપ અને એનિ ડેસ્ક 'ડાઉનલોડ કરાવીને માત્ર ચાર દિવસોમાં તબક્કાવાર 68 લાખ 76 હજાર પડાવી લીધા હતા. જેથી નિવૃત્ત આચાર્યનો પગાર સહિત નિવૃત્તિના લાભ પેટે મળેલ રકમ પણ આરોપીઓ દ્વારા ખંખેરી લેવામાં આવી હતી.
બિહારમાંથી ધરપકડ: બોપલ પોલીસે LCB અને સાયબર પોલીસની મદદથી આરોપી અને પકડવા માટે કવાયત શરૂ કરી અને ત્રણ આરોપીઓની બિહારમાંથી ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં વોન્ટેડ આરોપી રાજીવ ચૌધરી અને સંદીપકુમાર ચૌધરીએ હજુ ફરાર છે, જેમને શોધવા માટે પોલીસ કામ કરી રહી છે. જોકે આ કેસનો મુખ્ય આરોપી દ્વારા બિહારમાં આધાર કાર્ડ કેન્દ્ર ચલાવતા 16 જેટલા સંચાલકોના ખાતામાં ફરિયાદી પાસેથી છેતરપિંડી કરીને મેળવેલ રકમ જમા કરાવી હતી, એટલે કે 16 ખાતામાં અલગ અલગ રકમ જમાં થતી હતી.
લેપટોપ સહિત આધાર કાર્ડ અને સીમકાર્ડ જપ્ત: હાલ તો પોલીસે જે આરોપીઓના એકાઉન્ટમાં રૂપિયા ચાર લાખ જેટલી રકમ જમા થઈ હતી તેવા જ આરોપી પકડ્યા છે. પરંતુ પોલીસે આરોપીઓ પાસે મોબાઇલ, લેપટોપ સહિત આધાર કાર્ડ અને સીમકાર્ડ જપ્ત કરી ફ્રોડસ્ટરોને ઝડપી લેવા પ્રયત્નો હાથ ધર્યા છે. આ અંગે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી ભાસ્કર વ્યાસે જણાવ્યું હતું કે આ ગુનામાં જે લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા તે લોકોને પકડી પાડવામાં આવ્યા છે જોકે મુખ્ય બે આરોપીઓ વોન્ટેડ હોય તેઓને પકડવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે મુખ્ય આરોપીઓના પકડાયા બાદ અન્ય ગુનાઓ અંગે પણ તપાસ થશે.
આ પણ વાંચો:
Rajkot child labor: રાજકોટની સોની બજારમાંથી 62 કરતા વધુ બાળ મજુર મુક્ત કરાવાયા
Morbi bridge accident case: મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં વધુ 2 આરોપીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા