અમદાવાદ: આસો નવરાત્રીમાં નવ દુર્ગા આરાધના સાથે મહોલ્લા વાર મહોલ્લા માતા કે મલ્લા માતાની સ્થાપના બાળકો કરતા હોય છે. જેમાં બાળકો ગબ્બર બનાવી મલ્લા માતાની ગોખમાં સ્થાપના કરે છે. જે-તે મહોલ્લાના બાળકો વિવિધ થીમ આધારે મલ્લા માતાના ગબ્બર અને પરિસરનો શણગાર કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાળકો મલ્લા માતાની ભક્તિ સાથે સ્થાપન કરી તેમની નવરાત્રીના નવ દિવસ પૂજા કરે છે. રાત્રે ગરબા પહેલા બાળકો મલ્લા માતાની પૂજા કરે છે, આરતી ઉતારે છે અને સમગ્ર મહોલ્લામાં તેનો પ્રસાદ વેચે છે. મહોલ્લા માતા એ બાળકો દ્વારા થતી નવ દુર્ગાની આરાધના છે, જે બચપણથી જ માતાની ભક્તિનો મહિમા વધારે છે.
મહોલ્લા માતાજીના મુખાકૃતિ આરાધના અને તેની આગવી આરતી: જે-તે મહોલ્લા કે સોસાયટીના બાળકો માતાજી બિરાજે એ માટે ગોખ બનાવે છે. જેમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરાય છે. નવ દિવસના ભક્તિભાવ બાદ દશેરાએ માતાની મૂર્તિનું વિસર્જન કરાય છે. મહોલ્લાના બાળકો નવ દિવસ વિવિધ ભક્તો દ્વારા ધરાવેલ પ્રસાદ સોસાયટીમાં વહેંચે છે. બાળકો મહોલ્લા માતા માટે અલગથી ફાળો ઉઘરાવે છે અને બાળકોને ફાળા સાથે વડિલો રમકડા અને નાસ્તાની લહાણી પણ કરે છે. કેટલાંક વિસ્તારમાં મહોલ્લા માતાના આંગણે નવરાત્રી દરમિયાન પહેલો ગરબો રમાય છે.
વિશેષ હોય છે મહોલ્લા માતાની આરતી: પોળના મહોલ્લા કે સોસાયટીના કોમન પ્લોટમાં તો ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વાસમાં મહોલ્લા માતાની સ્થાપના અને પૂજનમાં સાંજે વિશેષ આરતી ગવાય છે. જય મહોલ્લા માતા, બાળક તારા સૌ એ આ આરતી બાળકો સૌ ભાવથી ગાય છે, અને શુદ્ધ ધીના દિવા ની આરતી ઉતારાય છે. મહોલ્લા માતાની આરતીમાં બાળકો સાથે મોટા પણ જોડાય છે. નોરતામાં આદ્યશક્તિની આરતી સાથે વિશ્વંભરી સ્તુતિ જેટલું જ મહત્વ મહોલ્લા માતાની આરતીનું રહ્યું છે. આજના આધુનિક સમયમાં વિસરાતી જતી મહોલ્લા માતાની આરતીના આ છે શબ્દો....
મહોલ્લા માતાની આરતી, લઈ ગયા નવમાળી
વનમાળી તો રાંધે છે, પાર્વતી તો પીરશે છે
ઘડી ઘડીના ઓધવજી, પાઘડીના પ્રભુજી
શેરીએ શેરીએ દીવા બળે, મહીં મહાદેવજી ભજન કરે
ભજન કરતાં રાત પડી, મહોલ્લા દેવી સુઈ ગયા
રાજ્યમાં હાલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મકાનોના પ્રકાર બદલાતા મહોલ્લા ઓછા થતા જાય છે, ત્યારે નવ રાત્રી પર્વની મલ્લા માતાની સ્થાપના અને પૂજન પરંપરાને પણ અસર થઈ છે. શહેરમાં મહોલ્લા માતાની પરંપરા ઓછી થતી જાય છે, ત્યારે માતાના ભક્તોએ સદીઓની શક્તિ પરંપરાને ટકાવી આવશ્યક છે. જેનાથી બચપણથી જ બાળકોમાં મા નવ દુર્ગાની ભક્તિનો સંચાર થાય...