અમદાવાદ: કરોડોની જમીનના કૌભાંડમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ હજુ પણ જેલમાં બંધ છે. તેવામાં પોપ્યુલર બિલ્ડર ગ્રુપના નટુ પટેલના સાળા અને બે પુત્રો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પંકજ હાથીભાઈ પટેલ અને તેના બે પુત્રો માલવ અને રોમિલ પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં પ્લોટ પોતાના નામે ન હતો છતાં નકલી બાનાખત બનાવી 3.25 કરોડની ઠગાઈ આચરી હતી.
ગુનામાં બે આરોપીઓ કરી ધરપકડ: નાણા પરત આપ્યા નહિ અને છેતરપિંડી બાદ ધમકી પણ આપતા હતા. આ સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો નોંધ્યો હતો. ગુનામાં બે આરોપીઓ પંકજ પટેલ અને તેમના પુત્ર રોમીલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જો કે પોલીસે માલવ પટેલ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.
જમીનના કૌભાંડમાં ફરિયાદ: ગુનામાં ફરાર થયેલા આરોપી માલવ પટેલની સાસુ સાધનાબેન શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેઓના જમાઈ માલવ, તેમના ભાઈ રોમીલ અને તેમના પિતા પંકજ પટેલે સુરત ખાતે આવેલો 412 ચોરસ મીટરનો પ્લોટ વેચાણ કરી આપવાનું કહીને રૂપિયા 3.25 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે ગુનો નોંધ્યો હતો. ક્રિષ્ના ડેવલપર્સનો પ્લોટ વેચવાનો પ્રયાસ કરવા અંગે પોલીસ તે તપાસ કરી રહી છે. પોલીસે આ મામલે હાલ તપાસ કરી રહી છે અને આગળ વધુ ખુલાસા કરશે.
રિમાન્ડ મેળવવાની તજવીજ: સાસુએ જમાઈ અને વેવાઈ વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદની તપાસ કરતા પોલીસે પંકજ પટેલ અને રોમિલની સુરતથી ધરપકડ કરી છે. આ મામલે પકડાયેલા આરોપીઓએ આ પ્રકારે અન્ય કોઈ છેતરપિંડીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ અને પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.
પકડાયેલા આરોપીઓની આગળની કાર્યવાહી શરૂ: આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના PI કે.વાય વ્યાસે જણાવ્યું હતું કે આ અંગે આરોપીઓની ધરપકડ કરી વોન્ટેડ આરોપીને પકડવાની કવાયત હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.