અમદાવાદ : અમેરિકન ફર્મ હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ સમગ્ર દેશમાં અદાણીનું નામ ભારે ચર્ચામાં ચાલી રહ્યું છે. રિપોર્ટ બાદ અદાણીને કરોડો રૂપિયાનું નુકસાન તો થયું છે પરંતુ શેરના ભાવમાં પણ ઘણો ઘટાડો થઈ રહ્યો છે. જોકે હવે આ રિપોર્ટને લઈને રાજકીય સ્વરૂપ પણ ધારણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસ ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ સરકાર પર કટાક્ષ કર્યા હતા કે સરકાર હાલ પણ આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી.
ઇતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક : ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, હિન્ડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઉજાગર કર્યું છે તે કદાચ ગુજરાત કે ભારતમાં નહીં પરંતુ દુનિયાના ઇતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે. ઈકોનોમીને સમજનાર લોકો પણ હજુ સુધી અવઢવમાં છે કે આ કેટલા લાખ કરોડનું કૌભાંડ છે. આ રિપોર્ટના કારણે દેશના અર્થતંત્ર પર મોટું સંકટ આવી પડ્યું છે.
ફેક કંપની ઊભી કરીને કરોડોની ટેક્સની ચોરી : તેમણે જણાવ્યું કે આ કહેવાતા કોર્પોરેટ ગ્રુપ દ્વારા ફેક કંપની ઊભી કરીને કરોડોની ટેક્સની ચોરી કરવામાં આવી છે. જે કંપનીઓનું કોઈ ટ્રેડિંગ નથી, સર્વિસ પ્રોવાઇડ નથી કરતી કે કોઈ ઓફિસ નથી. માત્ર કાગળ ઉપર બનાવેલી કંપનીઓના નામે અબજો રૂપિયાના ટેક્સની ચોરી કરવામાં આવી છે. 1 રૂપિયાના શેર ને 42 ઘણો વધારે બતાવી આ દેશના સામાન્ય લોકો પાસેથી પોતાના જ શેરમાં રોકાણ કરાવવામાં આવ્યું છે. જેમાં એલઆઇસીએ અદાણી ગ્રુપમાં 76 હજાર કરોડનું રોકાણ કર્યું હતું. SBIએ 80,000 કરોડનું રોકાણ કર્યું હતું. આ સમગ્ર કૌભાંડ આશરે 1.50 લાખ કરોડનું કૌભાંડ છે.
કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે : આ સાથે જ કોંગ્રેસે માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા આ સમગ્ર કૌભાંડ મામલે તેમની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે. આગામી 6 ફેબ્રુઆરીના રોજ તમામ જિલ્લામાં કોંગ્રેસ આ મામલે વિરોધ પ્રદર્શન કરશે. એલઆઇસી અને એસબીઆઇ બેન્ક બહાર કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આ પણ વાંચો Fitch Ratings on Adani: ફિચ રેટિંગે અદાણી ગ્રુપને આપી મોટી રાહત, હાલ કોઈ અસર નહિ
શું કહે છે હિન્ડનબર્ગનો આરોપ : 24મી જાન્યુઆરીએ હિંડનબંગનો રિપોર્ટ સામે આવ્યો હતો. ત્યારબાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો થવા લાગ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અદાણી ગ્રુપની સાત લીસ્ટેડ કંપનીઓ 85 ટકા ઓવરવેલ્યૂડ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને મની લોન્ડરિંગમાં રોકાયેલું છે.
શેરમાં ભારે ભરખમ ઘટાડો : મહત્વનું છે કે હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની કંપનીઓના શેરમાં ભારે ભરખમ ઘટાડો થયો હતો. અદાણી ગ્રુપે છેલ્લા સાત ટ્રેડિંગ સેેશનમાં નવ લાખ કરોડ રૂપિયાની મૂડી ગુમાવી દીધી છે. અદાણી ગ્રુપના શેર બજારમાં લીસ્ટેડ થયેલા 10 શેરોમાં અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર, ,અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન ,અદાણી પોર્ટસ ,અદાણી એન્ટરપ્રાઇસિસ, અંબુજા સિમેન્ટ્સ એસીસી અને એનડીટીવીનો સમાવેશ થાય છે.