અમદાવાદ: આમ આદમી પાર્ટીએ મૃતકો અને ઘાયલોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંત ભાજપના કાર્યકર છે. જેથી તેમને સરકારે કોઈપણ જાતની સુરક્ષા વ્યવસ્થા ચકાસ્યા વગર હોસ્પિટલ ચલાવવાની પરવાનગી આપી દીધી હતી. આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે પ્રજાકીય માંગોને વાચા આપવા માંગ કરી હતી કે,
- પ્રત્યેક મૃતકને 25 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય આપવામાં આવે અને ઘાયલોને યોગ્ય અને પર્યાપ્ત સારવારની સાથે 15 લાખ રૂપિયા આપવામાં આવે.
- આ ઘટનામાં જવાબદાર ગણાય એવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ દોષીતોને તાત્કાલિક સજા આપવામાં આવે અને તુરંત જેલ હવાલે કરવામાં આવે.
- આ બનાવ અંગે જવાબદારી શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બિજલ પટેલે સ્વીકારવી જોઈએ અને તેમની લાપરવાહી બદલ રાજીનામું લેવાવું જોઈએ.
- આ પહેલા પણ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બની ચૂક્યો છે. તેમ છતાંય ગુજરાત સરકાર જાગી નથી. તે વખતે 22 બાળકોના મોત થયા હતા, જ્યારે આ વખતે અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોના મોત થયા છે. જ્યારે હોસ્પિટલોમાં ગેરકાયદેસર રીતે થતા બાંધકામ જેમ કે, કેન્ટીન, લિફ્ટ વગેરેને જોવા માટે કોઈ તંત્ર નથી, ત્યારે ગુજરાતના સ્વાસ્થ્યપ્રધાન કુમાર કાનાણીએ તુરંત રાજીનામું આપવું જોઈએ.
- ફાયર સેફટી એન્ડ પ્રિવેન્શન સિસ્ટમ અમલમાં લાવવી જોઈએ.
આમ આદમી પાર્ટી દ્વારા પોતાના આવેદનની નકલ અમદાવાદના કલેક્ટર, ગુજરાતના મુખ્યપ્રધાન અને રાજ્યપાલને પણ મોકલી અપાઈ છે. તેમજ તેમને ચેતવણી આપી છે કે, જો તેમની માંગ પુરી નહીં થાય તો તેઓ આગામી સમયમાં જલદ આંદોલન કરશે.