અમદાવાદઃ શહેરના નહેરુ બ્રિજ પાસે આવેલી સાકાર-7 માં બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બીજા માળે કોમ્પ્લેક્સના વચ્ચોવચ આવેલા એક ઇલેક્ટ્રીક ડગમાં શોટ સર્કિટ થતા આગ ઉપરના માળે તેમજ નીચેના માળે એમ બંને તરફ પ્રસરી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ઈલેક્ટ્રીકના મીટરો પણ બળીને ખાખ થઇ ગયા હતા.
આગ લાગવાની ઘટનામાં ખૂબ જ ધુમાડો થતાં બીજા માળે ફસાયેલા ઓફિસના સભ્યોએ બિલ્ડિંગના કાચ ફોડીને ધુમાડાને બહાર જવા માટે જગ્યા કરી હતી. તો આગ લાગવાથી જે ધુમાડો થયો હતો. તેના કારણે એક વ્યક્તિ ખૂબ જ ગભરાઈ જતા તેને ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. જે માથાના ભાગે પડતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી. તેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતુ.
બીજી તરફ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધનો અને નિયમોનો અભાવ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા અમદાવાદ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં હાઇડ્રોલિકથી ઓપરેટ થતી એસ્કેલેટર દ્વારા બીજા માળ સુધી ફાયર વિભાગના જવાનો પહોંચ્યા હતા. તેમને બારીના કાચ તોડીને લગભગ 50 જેટલા માણસોનું રેસ્ક્યુ કર્યુ હતું. આ કામ દરમિયાન કેટલાક ફાયરના જવાનો પણ કાચ વાગવાથી ઇજાગ્રસ્ત થયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ફાયર વિભાગના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે ફરિયાદ કરી હતી કે, આવા કટોકટીના સમયે પણ નાગરિકો પોતાની ગાડીઓને રસ્તામાં મૂકીને વીડિયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા હતા. જેના કારણે ફાયર વિભાગના કર્મચારીઓને રેસ્ક્યુ કામ કરવામાં મુશ્કેલી થઈ હતી.
ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ઉપરાંત તાજેતરમાં જ સુરત, રાજકોટ અને વાપી જેવા શહેરોમાં ફાયરની ઘટનાઓ બની છે. જેનું મુખ્ય કારણ ઓફિસો શરૂ થતાં રાખવામાં આવેલી બેદરકારી છે. ખાસ કરીને અત્યારે ગરમીના સમયમાં ખુલ્લા વાયરની આસપાસ રહેલ ઝાળા કે તણખલા જેવી વસ્તુઓ પણ આગ પકડી લેતી હોય છે. તો ઉંદર અને ખિસકોલી જેવા પ્રાણીઓ વાયરને કોતરી ખાતા આગની ઘટના બનતી હોય છે. તેથી સંપૂર્ણ ચેકીંગ કર્યા બાદ જ ઓફિસો શરૂ કરવી જોઇએ. કેમિકલ ઈન્ડસ્ટ્રીએ પણ કેમીકલોના સંગ્રહમાં સાવધાની રાખવી જોઈએ અને તેમના માટે બનાવેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. તો જ આપણે આગની ઘટનાઓ અને જાનહાની અટકાવી શકીશું.