અમદાવાદઃ ગુજરાતમાં દિવસે-દિવસે કોરોના વાઇરસ ભરડો લઇ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 388 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ મોત 425 થયા છે. રાજ્યમાં દર કલાકે એકનું મોત થાય છે. 26 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 1709 લોકો ડિસ્ચાર્જ થયા છે. તે સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 7013 થઈ ગઈ છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 275 કેસ નોંધાયા છે. અમદાવાદમાં નોંંધાયેલા કેસની સંખ્યા ચિંતાજનક છે. અમદાવાદના ઇસનપુર, વેજલપુર વિસ્તારોમાં કોરોનાનો બોમ્બ ફાટ્યો છે. ઇસનપુરમાં એક જ દિવસમાં કુલ 46 કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે.
ઇસનપુરમાં વિશાલનગર, ગણેશ પાર્ક સોસાયટી, નિગમ તલાવડી, ચંદન પાર્ક, ગાયત્રી નગર, સતાધાર સોસાયટી જેવી સોસાયટીમાં કોરોના બોમ્બ ફાટ્યો છે. જેમાંથી વિશાલનગર સોસાયટીમાં જ 16 કેસ સામે આવ્યાં છે. આ સોસાયટીમાં એક જ પરિવારના 8 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. વેજલપુરમાં મધુભાઇ બંગલોઝ, મોરારજી પાર્ક સોસાયટીમાં કોરોનાના કેસ સામે આવ્યાં છે.