અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમની દુનિયામાં કેપિટલ બની ગયું હોય તેવા કિસ્સા સામે આવે છે. અમદાવાદના એક વેપારીને મોર્ગેજ લોનની ડીડમાં સુધારો કરવાના બહાને કલર મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંકના મેનેજર, જનરલ મેનેજર, ચેરમેન અને એજન્ટો દ્વારા ખોટા દસ્તાવેજો અને સહી સિક્કા કરીને વેપારીની જાણ બહાર રૂપિયા 55 લાખની મોર્ગેજ લોન મંજૂર કરીને વેપારીના કરંટ ખાતામાં નાણાકીય વ્યવહાર કર્યો હતો આ કાવતરાને લઈને EOWમાં ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દસ્તાવેજો મેળવી કરતા ઠગાઈ:કલર મર્ચન્ટ બેંકના અધિકારીઓ અને એજન્ટો દ્વારા લોનના બહાને અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ હતી. આ ઠગાઈ કરનાર આરોપી બેંક મેનેજર અતુલ શાહ જનરલ મેનેજર કિન્નર શાહ અને ચેરમેન વિમલ પરીખ છે. આ આરોપી દ્વારા અનેક લોકોને લોન આપવાના બહાને દસ્તાવેજો મેળવી લઈને ઠગાઈ કરતા હતા.
"આરોપીઓ ભેગા મળીને આ રેકેટ ચલાવતા હતા, આરોપીઓ સામે નારણપુરામાં પણ ફરિયાદ નોંધાઈ છે. જેથી આ ગેંગમાં કોની શુ ભૂમિકા હતી અને કેટલા લોકો સાથે આ પ્રકારે ઠગાઈ આચરી છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે"--મનોજ ચાવડા, (ACP આર્થિક ગુના નિવારણ શાખા, અમદાવાદ)
દંપતીએ આપઘાતનો પ્રયાસ: લોનના નામે ઠગાઈ કરતી આ ટોળકીના કારણે હાઈકોર્ટમાં જજની સામે એક દંપતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નવરંગપુરાના નીતિનભાઈ રાજગુરુ અને ચાંદલોડિયા હાર્દિક પટેલ દ્વારા બે ફરિયાદ અત્યાર સુધીમાં નોંધાઇ છે. જ્યારે વધુ એક વેપારીએ પણ આ છેતરપિંડી મામલે આર્થિક ગુના નિવારણ શાખાને રજૂઆત કરી છે. છેલ્લા ઘણા સમયથી કલર મર્ચન્ટ બેંકના અધિકારી દ્વારા આ પ્રકારે ઠગાઈનું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં EOWએ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
6 ટીમ બનાવી તપાસ: આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આ કૌભાંડને લઈને અલગ અલગ 6 ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, આરોપીના ઘર તથા ઓફિસમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ગુના સંબંધીત જરૂરી દસ્તાવેજો ઠરાવો અને અલગ અલગ પેઢીના સ્ટેમ્પ તેમજ આરોપીઓના અન્ય બેંકમાં રહેલા બેન્ક એકાઉન્ટની વિગત તથા શંકાસ્પદ ચેક કબજે કરવામાં આવ્યા છે. EOW એ આ ઠગ ટોળકીનો ભોગ બનેલ વ્યક્તિને ફરિયાદ માટે સંપર્ક કરવાની પણ અપીલ કરી છે.
વધુ એક ફરિયાદ થઈ: બેંક બ્રાન્ચ મેનેજર ઋતુલ શાહ, કિન્નર શાહ, ચેરમેન બિમલ પરીખ સહિત કુલ છ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીએ કરેલ લોનની માંગણી ફરિયાદીને ન આપી બારોબાર પડાવી લીધી હોવાનું કહેવામાં આવ્યું છે. ફરિયાદીના નામના બનાવટી એકાઉન્ટ ખોલી 20 લાખ રૂપિયાની લોન મેળવી છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદીની માતાનું મકાન મોરગેજ કરાવી લોન પોતે મેળવી લેતા નોંધાઈ ફરિયાદ કરવામાં આવી છે. ખાડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.