છેલ્લા કેટલાક સમયથી લોકો સાથે ઓનલાઇન સાઇટ દ્વારા છેતરપિંડીના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે આ પ્રકારનો બનાવ બન્યો હતો. જેમાં તેણે ઓનલાઇન શોપિંગ સાઇટ(Quikker.com) દ્વારા પૂરું પેમેન્ટ વસુલ થયા બાદ પણ તેને સ્પોર્ટ શુઝ ડિલિવર કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ તેણે આ બાબતે આરોપીને ફોન કરતાં તેણે જણાવ્યું કે, એક કરતા ઓછી જોડી ખરીદો તો અમે તે પ્રોડક્ટની ડિલિવરી કરતા નથી. પરંતુ જો તમારે સ્પોર્ટ શુઝ જોઈતા હોય તો અન્ય બીજા જોડી સ્પોર્ટ શુઝનું પેમેન્ટ કરવું પડશે.
ત્યારબાદ ફરિયાદીએ બીજી જોડીનું પણ પેમેન્ટ કર્યું હતું. છતાં પણ તેને સ્પોર્ટ શુઝ ન મળતાં તેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં છેતરપિંડીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. આ બે આરોપીમાં મુખ્ય આરોપી ભાવિન ચક્રવર્તીએ અન્ય આરોપી ધર્મેન્દ્રના એકાઉન્ટમાં આ પેમેન્ટ લેવાનું કહીને છેતરપિંડીની રકમના 20% આપીને તમામ રકમ પોતાના એકાઉન્ટમાં મેળવી લીધી હતી.
અમદાવાદ સાયબર ક્રાઇમે ફરિયાદના આધારે તપાસમાં આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ બે આરોપીમાં મુખ્ય આરોપી ભાવિન ચક્રવર્તી અગાઉ પણ સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીએ પોલીસ તપાસમાં જણાવ્યું કે, તેની સાથે પણ આવી છેતરપિંડી થઈ હતી અને તેના કારણે તે આનાથી પ્રેરાઇને આ પ્રકારની લોકો સાથે છેતરપિંડી કરે છે. આ આરોપી અત્યાર સુધીમાં 30થી 35 હજાર રૂપિયાની છેતરપિંડી કરીને કમાણી કરી છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે.