સુરત તક્ષશિલા આર્કેડમાં ચોથા માળે ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં આગ લાગ્યા બાદ 22 જેટલા વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. જેને પગલે સરકાર અને વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે આજે 12 સામાન્ય પ્રવાહના પરિણામોમાં ટોપ કરનાર વિદ્યાર્થીઓએ પણ ઘટના સંદર્ભે મહત્ત્વનો સંદેશ ભાવિ વિદ્યાર્થીઓ માટે પાઠવ્યો છે.
રાજ્યમાં ટોપ કરનાર ફેની શાહે જણાવ્યું કે, “કોઈ પણ ટ્યુશન ક્લાસીસમાં જતાં પહેલાં વિદ્યાર્થીઓની સેફ્ટી જરૂરી છે. જે ઈમારતમાંથી વિદ્યાર્થીઓ પડ્યાં છે ત્યાં ઈમારતનું યોગ્ય બાંધકામ અને ફાયર સેફ્ટીની જરૂર હતી. સુરતની ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ માટે ઘણું દુઃખ છે. દરેક માતા-પિતાને વિનંતી કરૂ છું કે, વિદ્યાર્થીઓની સેફ્ટી જુએ અને બાદમાં જ ટ્યુશન ક્લાસીસમાં મુકવામાં આવે.”
બીજી તરફ 12 સામાન્ય પ્રવાહની અન્ય બે વિદ્યાર્થીનીઓ પૈકી સુહાની શાહ અને નિરાલી શાહે ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ટ્યુશન ક્લાસમાં જવું ફરજિયાત નથી. જો તમે શાળામાં મન લગાવીને અભ્યાસ કરો તો તમને ટ્યુશન ક્લાસીસની કોઈ જરૂર નથી. તમે ટ્યુશન ક્લાસીસ જવા માંગતા હોવ તો સૌપ્રથમ તમારી સુરક્ષા જરૂરી છે. વિદ્યાર્થીઓ પર જે રીતે છેલ્લા કેટલાય સમયથી કુકર્મો અને અત્યાચારો સામે આવી રહ્યાં છે તેને જોતા વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સમજી અને વિચારીને કોઈપણ ક્લાસીસમાં જોડાવવાનો નિર્ણય લેવો જોઈએ. સુરતની ઘટનામાં 20થી વધુ બાળકો મૃત્યુ પામ્યા તેમાં મહત્તમ બાળકીઓ હતી. આ ઘટનાને સંદર્ભે સમગ્ર ગુજરાત અને દેશભરમાં રોષ છે, પરંતુ તે પહેલા આપણે પણ આપણી નૈતિક જવાબદારી સમજી પ્રથમ આપણે જ કાળજી લઈએ તે જરૂરી છે.”