અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરાનાના કેસો વધી જ રહ્યા છે. જેને પગલે અમદાવાદમાં 31 મેના રોજ 46 જગ્યાઓને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. જેમાંથી જમાલપુર-ખાડિયાની 7 પોળ અને ગુલબાઇ ટેકરા સહિત 11 જગ્યાઓને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામા આવી છે. જ્યારે 35 જગ્યાઓને એક અઠવાડિયા બાદ પણ યથાવત રાખવામાં આવ્યા છે. 11566 ઘર અને 54093 લોકો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હાલ છે.
અમદાવાદમાં દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે. જેમાં પૂર્વ અને ઉત્તર ઝોન તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં કેસો વધી રહ્યા છે, જેથી આ એકપણ ઝોનના માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનને મુક્તિ આપવામાં આવી નથી. પશ્ચિમ ઝોનમાં એક માત્ર ગુલબાઇ ટેકરા, દક્ષિણ ઝોનમાં વટવાની નીલગીરી સોસાયટી, ઘાટલોડિયાની રિદ્ધિ સોસાયટી, બોડકદેવની ચૈતન્ય સોસાયટી અને જમાલપુરની તાડની શેરી અને ખાડિયાની 6 પોળને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કોટ વિસ્તારમાં સૌથી વધુ 15 જગ્યાઓ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી, જો કે કોટ વિસ્તારમાં કેસો ઘટતાં 7 જગ્યાઓને મુક્તિ આપવામા આવી છે. 2594 ઘર અને 15531 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.