ભારતની સ્વતંત્રતા અને ભાગલા પછી 1947ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ રજવાડાઓને ભેગા કરીને ત્રણ રાજ્યોની રચના કરી, આ રાજ્યોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતા. 1956માં મુંબઈ રાજ્યનો વિસ્તાર થયો, પણ કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની અલગ માંગ પછી પહેલી મે, 1960ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા થયાં, જેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા. ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલનની અતિમહત્વની ભૂમિકા રહી. 1956માં શરૂ થયેલા આંદોલનને ઈન્દુલાલ યાજ્ઞિક અને ભાઈકાકાએ વેગ આપ્યો. કેટલાય નવયુવાનો શહીદ થયા, અને તે પછી મહાગુજરાત આંદોલનને ખાંભી સત્યાગ્રહ નામ અપાયું, ત્યારબાદ સરકારને ઝુકવું પડ્યું હતું અને 1960માં ગુજરાતની નવા રાજ્ય તરીકે રચના થઈ.
નવા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર બન્યું. બળવંતરાય મહેતા સમિતીની ભલામણો પ્રમાણે ગુજરાત રાજ્યે સત્તાના વિકેન્દ્રિકરણનો સિંદ્ધાત સ્વીકાર્યો હતો. જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયત અસ્તિત્વમાં આવ્યાં, અને બધા ગુજરાતીઓ વિકાસના કાર્યમાં જોડાઈ ગયા હતા. 1960 પછી આવેલી કુદરતી આપદામાં 26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો, મોરબી જળ હોનારત થઈ, 2002માં ગોધરાકાંડ થયો તેમ છતાં હસતા મોઠે સતત આગળ વધેલા ગુજરાતીઓને આજે સો સો સલામ.
7 ઓકટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યાં, ત્યારબાદ વિકાસ કરવામાં ગુજરાતે કયારેય પાછી પાની કરી નથી. હાલ ગુજરાતનો વિકાસ એ દેશના વિકાસનું મોડલ બની ગયો છે. ગુજરાતના ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને પછી નરેન્દ્ર મોદી દિલ્હી સુધી પહોંચ્યા અને દેશને નવો રાહ ચીંધ્યો હતો. ગુજરાતી અનેક સપુતો પાક્યા કે જેમણે ગુજરાતને સવિશેષ ગૌરવ અપાવ્યું છે. હાલ દેશના વડાપ્રધાન તરીકે ગુજરાતના અને તે વડનગરના વતની એવા નરેન્દ્ર મોદી છે. કે જેમણે દેશ નહી વિદેશોમાં પણ એટલી જ જબરજસ્ત ખ્યાતી પ્રાપ્ત કરી છે, અને ગુજરાતની એક નવી ઓળખ ઉભી કરી છે. ગુજરાતના વિકાસમાં ફાળો આપનાર તમામ ગુજરાતીઓને સલામ કરીએ છીએ.