પેરિસ : ફ્રેન્ચ ટેનિસ ફેડરેશન (એફએફટી)એ કોરોના વાઇરસ મહામારીને પગલે ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. હવે 2020ની ફ્રેન્ચ ઓપન 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાશે.
રોનાલ્ડ ગેરોસ (ફ્રેન્ચ ઓપન)એ એક યાદીમાં જણાવ્યું હતું કે, "સમગ્ર વિશ્વ કોવિડ-19 સંબંધિત જાહેર આરોગ્યની કટોકટીનો ભોગ બન્યું છે. ટુર્નામેન્ટનું આયોજન કરવા સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિના સ્વાસ્થ્ય તથા સલામતી સુનિશ્ચિત કરવા માટે ફ્રેન્ચ ટેનિસ ફેડરેશને રોનાલ્ડ-ગેરોસની 2020ની આવૃત્તિ 20મી સપ્ટેમ્બરથી ચોથી ઓક્ટોબર, 2020 દરમિયાન યોજવાનું નક્કી કર્યું છે.
"વધુમાં ઉમેર્યું હતું કે, "18મી મેના રોજ પરિસ્થિતિ કેવી હશે, તેનું અનુમાન આંકવા માટે કોઇ સક્ષમ ન હોવા છતાં વર્તમાન પરિસ્થિતિને જોતાં અમારા માટે તૈયારી યથાવત્ રાખવાનું અશક્ય બન્યું છે અને પરિણામ સ્વરૂપે અમે અગાઉ નિયત કરવામાં આવેલી તારીખોમાં ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે અસક્ષમ છીએ."
FFTના પ્રમુખ બર્નાર્ડ ગ્યુડિસેલીએ જણાવ્યું હતું કે, "ગત વીકેન્ડથી વધુ પ્રભાવિત બનેલી આ અભૂતપૂર્વ સ્થિતિમાં અમે એક મુશ્કેલ છતાં નિડર નિર્ણય લીધો છે. અમે જવાબદારીપૂર્વક કામગીરી કરી રહ્યાં છીએ અને દરેક વ્યક્તિના આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા માટે આપણે સાથે મળીને કામ કરવું જોઇએ."