- ચંદીગઢની 20 વર્ષીય શૂટરે રવિવારે જીત્યો બ્રોન્ઝ મેડલ
- પ્રથમ વખત સિનિયર કક્ષાની ફાઈનલ્સમાં ભાગ લીધો હતો
- નિશાન ચૂક્યા બાદ સંતુલન ગુમાવ્યા વગર સિદ્ધી હાંસલ કરી
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન(ISSF) દ્વારા આયોજિત વિશ્વકપના ત્રીજા દિવસે મહિલા સ્કીટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યા બાદ ભારતીય યુવા શૂટર ગનીમત સેખોએ જણાવ્યું હતું કે, તે ફાઇનલ પહેલા તે ઘણા પ્રેશરમાં હતી.
આ પણ વાંચો: રાજ્યકક્ષાના સૌથી મોટા એર રાયફલ શૂટિંગ રેન્જ ભવનનું સુરતમાં ઉદ્ઘાટન
બીજા રાઉન્ડ પછી આત્મવિશ્વાસ વધ્યો હતો
ચંદીગઢના 20 વર્ષીય શૂટરે કહ્યું કે, "ફાઈનલમાં મારા પર ખૂબ દબાણ હતું, કારણ કે પ્રથમ વખત હું સિનિયર કક્ષાની ફાઈનલમાં પહોંચી હતી. હું ઉત્સાહિત તો હતી, પરંતુ મારા મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી. મને લાગે છે કે બીજા રાઉન્ડ પછી મારો આત્મવિશ્વાસ વધ્યો હતો.'' તેમણે વધુમાં કહ્યું કે, "નિશાન ચૂક્યા બાદ પણ હું વિચારી રહી હતી કે, આ મારા માટે એક તક સમાન છે અને હું તેને હાથમાંથી જવા નથી દેવા માંગતી."
મેડલ મેળવ્યા બાદ સિદ્ધી અંગે ખબર પડી
જોકે ગનીમતને તેની સિદ્ધિ વિશે પછીથી ખબર પડી હતી. જેના સંદર્ભે તેમણે કહ્યું કે, "મને આ વિશે મેડલ જીત્યા પછી ખબર પડી, જે ખૂબ જ લાજવાબ છે."