રાંચી: આજે ઓલિમ્પિયન દીપિકા કુમારી ઓલિમ્પિયન અતનુ દાસ સાથે લગ્ન કરી રહી છે. કોરોનાને લઈને દીપિકા કુમારી અને અતનુ દાસના લગ્ન સમારોહમાં માસ્ક, સેનિટાઇઝર્સ અને કડક સામાજિક અંતરની તૈયારીઓ કરવામાં આવી છે. આ લંગ્નમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રાજ્યના રાજ્યપાલ, મુખ્ય પ્રધાન સહિતના લોકો આવી શકે છે.
દીપિકા લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ અંગે દીપિકાએ કહ્યું કે,લગ્નની તમામ વિધિ ખૂબ સારી હોય છે, પહેલા મને લાગ્યું કે ખૂબ કંટાળાજનક હશે, પરંતુ બધું ખૂબ જ પ્રોત્સાહક છે. લગ્ન પછી પણ હું અને અતનુ પેક્ટિસમાં પાછા ફરીશું અને ઓલિમ્પિકની તૈયારીઓ કરીશું.
હાલ કોલકાતાથી વરરાજા અતનુ દાસ પણ રાંચી પહોંચી ગયો છે. આ બંને લગ્ન રીતરિવાજ મુજબ પરંપરાગત રીતે થશે. દીપિકાના લગ્નમાં ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય તીરંદાજી એસોસિએશનના પ્રમુખ અર્જુન મુંડા સામેલ થશે. જેઓ દીપિકાનું કન્યાદાન કરશે. દીપિકાને શ્રેષ્ઠ આર્ચર બનાવવામાં અર્જુન મુંડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
તમને જણાવી દઈએ કે, દીપિકાએ તીરંદાજીમાં 5 વખત ગોલ્ડ મેડલ જીત્યો છે, જેમાંથી તેણે 2 વખત વ્યક્તિગત રૂપે અને 3 વખત ટીમ સાથે ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત જુદી જુદી ઇવેન્ટ્સમાં 13 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. દીપિકાએ 2 વખત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહિલા ટીમ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો છે. 2010માં દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતાં.
દીપિકાએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2012માં દીપિકાને 'અર્જુન એવોર્ડ' આપવામાં આવ્યો હતો, જ્યારે 2014માં 'ફિક્કી સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ' મળ્યો હતો. આ સિવાય વર્ષ 2016માં દીપિકાને 'પદ્મશ્રી' એવોર્ડ પણ એનાયત કરાયો હતો. અતાનુ દાસ અને દીપિકા પ્રથમ વખત 2008માં મળ્યા હતા.