નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય હૉકી ફેડરેશનને એફઆઇએચ પ્રો લીગની બીજી સિઝનનું આયોજન મોડુ કરવાનું નક્કી કર્યુ છે. કોરોના વાયરસને કારણે હવે જુલાઈ-ઓગસ્ટમાં પ્રો લીગની મેચ યોજાશે.
એફઆઇએચ(International Hockey Federation)એ કોરોના મહામારીને કારણે અગાઉ પણ બે વાર પ્રો લીગને મુલતવી રાખી હતી. એફઆઈએચએ 15 મી એપ્રિલ પહેલા યોજાનારી તમામ મેચ મુલતવી રાખી હતી અને બાદમાં સસ્પેન્શન 17 મે સુધી વધાર્યું હતું. પરંતુ હવે આ મેચનું આયોજન જુલાઈ ઓગસ્ટમાં કરવામાં આવશે.
એફઆઇએચના સીઇઓ થિયરી વેલે જણાવ્યું હતું કે, "કોરોના વાયરસ રોગચાળાને કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એફઆઇએચ અને તમામ ભાગ લેનારા રાષ્ટ્રીય સંગઠનોએ જુલાઈ ઓગસ્ટમાં એફઆઇએચ પ્રો લીગની બાકીની મેચ યોજવાનું નક્કી કર્યું છે,"
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સુધારેલા શેડ્યૂલ મુજબ, હવે ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઈથી 8 મી ઓગસ્ટ, 2021 દરમિયાન યોજાશે. વિશ્વવ્યાપી રમત અટકી જવાથી તેના ગંભીર આર્થિક પરિણામો પણ થશે.