બર્લિન: સ્ટાર સ્ટ્રાઈકર ટીમો વર્નરના સિઝનના 25માં ગોલની મદદથી જર્મન લીગ બુંડેસ્લિગામાં રમાયેલી 29માં રાઉન્ડની મેચમાં આરબી લીપઝિંગે કોલોનને 4-2થી હરાવ્યું છે.
સોમવારે રમાયેલા આ મેચમાં જ્હોન કોર્ડોબાએ સાતમી મિનિટમાં કોર્નરથી ગોલ કરીને કોલોનને 1-0થી લીડ અપાવી હતી. જોકે, એસ રોમાની લોન પર રહેલા પેટીક શિકેએ 20મી મિનિટમાં ગોલ કરીને લીપઝિંગને 1-1થી સ્કોર લેવલ કર્યો હતો.
લિપઝિંગની ટીમે ત્યારબાદ 38મી મિનીટમાં ક્રિસ્ટોફર કુંકુ અને 50મી મિનિટમાં ટિમો વર્નરના ગોલની મદદથી ટીમનો સ્કોર 3-1 સુધી પહોંચાડ્યો હતો.
ત્યારબાદ કોલોને પણ 55 મી મિનિટમાં એન્થોની મોડેસ્ટેના ગોલની મદદથી મેચમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બે મિનિટ પછી ડેની ઓલ્મોએ ગોલ કરીને લીપઝિંગને 4-2 ની લીડ અપાવી દીધી. બુન્ડેસ્લિગામાં આ ઓલ્મોનો પ્રથમ ગોલ હતો.
આ જીતની સાથે જ લિપઝિંગની ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે, જ્યારે કોલોન 11માં સ્થાને છે. કોલોનને સીઝનની 15 મી હારનો સામનો કરવો પડ્યો છે.