કોલકત્તાઃ અખીલ ભારતીય ફુટબોલ મહાસંઘ (AIFF)એ ભારતીય પુરુષ ફુટબોલ ટીમના ડિફેન્ડર સંદેશ ઝિંગન અને મહિલા ટીમની સ્ટ્રાઈકર બાલા દેવીના નામની ભલામણ અર્જુન એવોર્ડ માટે કરી છે. AIFFના મહાસચિવ કુશાલ દાસે મંગળવારે આ અંગે પુષ્ટી કરી છે.
ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે
દાસે એક સમાચાર એજન્સીને કહ્યું કે, અમે સંદેશ અને બાલા દેવીનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલવાનો નિર્ણય લીધો છે. તેમણે ફોર્મ ભરવું પડશે. તેમની ઉમેદવારી નિર્ધારીત સમય પહેલાં મોકલવામાં આવશે.
ભારતીય ટીમની બેક લાઈનના સૌથી મહત્વપૂર્ણ ખેલીડી ઝિંગને તાજેતરના દિવસોમાં સેન્ટ બેક માટે ખુદને વધારે મજબૂત કર્યો છે. ઈન્ડિયન સુપર લીગ(ISL)માં કેરલા બ્લાસ્ટર્સ માટે સૌથી વધુ મેચ રમનારા ઝિંગન છેત્રીની ગેર હાજરીમાં કોચ સ્ટીફન કોન્સ્ટોન્ટાઈન હેઠળ ભારતીય ટીમની કમાન સંભાળી ચૂક્યા છે.
સૌથી વધુ ગોલ કરનારી ખેલાડી
30 વર્ષીય બાલા દેવીએ સ્કોટલેન્ડની મહિલા પ્રીમિયર લીગ ટીમમાં રેન્જર્સ એફસીની સાથે 18 મહિનાનો કરાર કરીને ઈતિહાસ રચી દીધો હતો. બાલા વિદેશમાં ફૂટબોલ રમનારી પ્રથમ ભારતીય મહીલા બની હતી. તે મહિલા પ્રીમિયર લીગ ટીમ રેન્જર્સ એફસી માટે 3 મેચ રમી છે.
બાલા દેવી તાજેતરના સમયમાં ભારતીય મહિલા ફુટબોલ ટીમ તરફથી સૌથી વધુ ગોલ કરનારી ખેલાડી છે. 2010 બાદ તેમણે 58 મેચમાં 52 ગોલ કર્યા છે.