- ઇંગ્લેન્ડના બેટ્સમેને કર્યો ખુલાસો
- પોતાની બેટિંગ સ્કીલ સુધારવા અંગે કર્યો ખુલાસો
- રાશિદ સાથે નેટ પ્રેકટિસથી સુધારો આવ્યો
અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 શ્રેણીની પહેલી મેચ જીત્યાં બાદ ઓપનર જેસન રોયે પોતાની બેટિંગમાં થયેલા સુધારા માટેે આદિલ રાશિદને શ્રેય આપ્યો હતો. જેસને કહ્યું તે નેટ પ્રેકટિસ દરમિયાન સ્પિનર આદિલ રશીદ સામે બેટિંગ કરવાના કારણે બેટિંગ સુધારવામાં મને ઘણી મદદ મળી છે.
ઇંગ્લેન્ડની ટીમે સીરિઝની પહેલી મેચ જીતી લીધી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 માર્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે પરાજય આપ્યો હતો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 124 રન બનાવ્યાં હતાં. ઇંગ્લેન્ડની ટીમના બેટ્સમેન જેસન રોય અને જોસ બટલર વચ્ચેની પ્રથમ વિકેટની ભાગીદારીથી 15.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 મેચ જોવા માટે 50 ટકા દર્શકોને જ મળશે મંજૂરી
જેસને રાશિદને આપ્યો શ્રેય
જેસન રોયે મેચ પૂર્ણ થયાં બાદ જણાવ્યું હતું કે જીત સાથે શરુઆત થઇ તેથી ખુશ છીએ. અમે જે રીતે મેદાન પર ફિલ્ડિંગ કરી તે શાનદાર હતી. હું જુદાં જુદાં બોલરો સામે આઉટ થયો છું પરંતુ નેટમાં સ્પિનર આદિલ રાશિદ સામે બેટિંગ કરીને મને બેટિંગ સ્કીલ સુધારવામાં ઘણી મદદ મળી હતી. તમે જ્યારે પણ રમો છો ત્યારે કંઇક શીખો છો. તેથી અમે જે પણ રમતમાં છીએ તેમાંથી મને કંઇ શીખવામાં મદદ મળી શકે છે. બટલરે મેચમાં સારું પ્રદર્શન કર્યું અને તે ફોર્મમાં જોવા મળી રહ્યો છે. શ્રેયસ ઐયર સિવાય ભારતના કોઇ બેટ્સમેન ઇંગ્લેન્ડના બોલરોનો સામનો નથી કરી શક્યાં અને શુક્રવારે પહેલી જ મેચમાં કરેલી બેજવાબદાર બેટિંગનું નુકસાન ભારતે 8 વિકેટે હારના રુપમાં વેઠવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ ભારત- ઈંગ્લેન્ડ ટી-20: મેચની ઓનલાઈન ફિઝીકલ ટિકિટ લેવા લોકો અકળાયા, સિસ્ટમ બદલવાની માગ
14 માર્ચે રમાશે બીજી મેચ
ગઇકાલે રમાયેલી મેચમાં ભારતીય ટીમ 7 વિકેટ પર 124 રન જ કરી શકી હતી જેમાં 67 રન ઐયરે ફટકાર્યાં હતાં. જવાબમાં ઇંગ્લેન્ડે મેચને પોતાની તરફે કરી લેતાંં બે વિકેટમાં 27 બોલ બાકી હતાં ત્યારે જ લક્ષ્ય પાર કરી લીધું હતું. ડેવિડ મલાને વિજયી સિક્સર ફટકારી હતી. ભારત અને ઇંગ્લેન્ડની ટીમ હવે રવિવારે પાંચ મેચોની 20-20 સીરિઝની બીજી મેચમાં એકબીજા સાથે ટકરાશે.