નવી દિલ્હી: અનુભવી ગોલકીપર સવિતા મસ્કતમાં યોજાનારી મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં 18 સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ કરશે(Savita will lead women's hockey team). હોકી ઈન્ડિયાએ બુધવારે ટીમનું એલાન કર્યું છે, જેમાં ટોક્યો ઓલિમ્પિકમાં(Tokyo Olympics) ભાગ લેનાર 16 ખેલાડીઓનો પણ કરવામાં આવ્યો છે.
ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ કરશે સવિતા
નિયમિત સુકાની રાની રામપાલ ઈજાના કારણે હાલ બેંગલુરુમાં આરામમાં છે, તેથી સવિતાને 21થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ટુર્નામેન્ટ માટે સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ભારતને જાપાન, મલેશિયા અને સિંગાપોરની સાથે પૂલ Aમાં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટના પહેલા દિવસે મલેશિયા સામે પોતાના ટાઇટલને બચાવવા માટે મેદાનમાં કમર કસસે, આ પછી તેનો મુકાબલો જાપાન (23 જાન્યુઆરી) અને સિંગાપોર (24 જાન્યુઆરી) સામે છે. સેમી ફાઈનલ 26 જાન્યુઆરીએ અને ફાઈનલ 28 જાન્યુઆરીએ રમાશે.
ભારતે 2017માં ચીનને હરાવીને ટાઈટલ જીત્યું હતું
સ્પર્ધામાં ટોચની ચાર ટીમો 2022માં સ્પેન અને નેધરલેન્ડમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. અનુભવી દીપ ગ્રેસ એક્કાને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ટીમના મુખ્ય કોચ યાનેક શોપમૈને જણાવ્યું કે, “આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે અને અમે જે ટીમ પસંદ કરી છે તેનાથી હું ખુશ છું. તે અનુભવી ખેલાડીઓની સાથે સાથે પ્રતિભાશાળી યુવાનોનું મિશ્રણ છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ક્ષમતા દર્શાવી છે." ભારતે છેલ્લે 2017માં ચીનને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવીને ટાઈટલ જીત્યું હતું.
ભારતીય મહિલા હોકી ટીમ
ગોલકીપર: સવિતા (કેપ્ટન), રજની એતિમારપૂ
ડિફેન્ડર: દીપ ગ્રેસ એક્કા (વાઈસ કેપ્ટન), ગુરજીત કૌર, નિક્કી પ્રધાન, ઉદિતા
મિડફિલ્ડર: નિશા, સુશીલા ચાનુ, મોનિકા, નેહા, સલીમા ટેટે, જ્યોતિ, નવજોત કૌર
ફોરવર્ડઃ નવનીત કૌર, લાલરેમ્સિયામી, વંદના કટારિયા, મારિયાના કુજુર, શર્મિલા દેવી