- ઇંગ્લેન્ડના ઑલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી
- વનડે અને ટી-20 ક્રિકેટમાં રમતો રહેશે મોઈન
- આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે
લંડન: ઇંગ્લેન્ડનો અનુભવી ઑલરાઉન્ડર ખેલાડી મોઈન અલી લિમિટેડ ઑવરની ક્રિકેટમાં પોતાના કેરિયરને લંબાવવા માટે ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેશે. બ્રિટિશ મીડિયાના સમાચારોમાં આ દાવો કરવામાં આવ્યો. મોઈન કેપ્ટન જો રૂટ અને મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવૂડને પોતાના નિર્ણયની જાણકારી આપી ચૂક્યો છે.
2019 પછી ટેસ્ટમાં નહોતો રમ્યો
ઉલ્લેખનીય છે કે અલીએ 64 ટેસ્ટમાં 28.29ની સરેરાશથી 2 હજાર 914 રન બનાવ્યા છે અને 36.66ની સરેરાશથી 195 વિકેટ લીધી છે. તે વર્ષ 2019 એસિઝ સિરીઝ બાદ ટેસ્ટ ક્રિકેટ નહોતો રમ્યો, પરંતુ ભારત વિરુદ્ધ હાલમાં જ ઘરઆંગાણાની સિરીઝમાં તેનું ટેસ્ટ ટીમમાં પુનરાગમન થયું હતું.
મોઈન IPLમાં ચેન્નઈ તરફથી રમી રહ્યો છે
સમાચારો પ્રમાણે લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવા તે ઇચ્છતો નથી. તેણે ઑસ્ટ્રેલિયાના એસિઝ પ્રવાસ માટે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડને કોરોના પ્રોટોકોલ જાહેર કરતા પહેલા જ મન બનાવી લીધું હતું. તે અત્યારે યુએઈમાં આઈપીએલ રમી રહ્યો છે, જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે.
પોતાના નામે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક કીર્તિમાન સ્થાપવાની નજીક હતો અલી
મોઈન અલી ઇંગ્લેન્ડ માટે સીમિત ઑવર્સની ક્રિકેટ રમતો રહેશે. ભારતની વિરુદ્ધ 5મી ટેસ્ટ કોરોના સંક્રમણના કારણે રદ્દ થઈ તે પહેલા તે 3 હજાર ટેસ્ટ રન અને 200 વિકેટ પૂર્ણ કરનારો 15મો ટેસ્ટ ક્રિકેટર બનવાની નજીક હતો.
પોતાની ફિરકીના જાદૂમાં અનેકવાર કોહલીને ફસાવ્યો
મોઈન અલીનું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલી વિરુદ્ધ શાનદાર પ્રદર્શન રહ્યું છે. મોઈન અલી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 10વાર આઉટ કરી ચૂક્યો છે. મોઈન અલીએ પોતાની ફિરકીમાં મોટાભાગના અવસરો પર વિરાટ કોહલીને ફસાવ્યો છે.
આ પણ વાંચો: IPL 2021માં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર
આ પણ વાંચો: ભારતની સાનિયા મિર્ઝાએ પોતાની ચીની જોડીદાર ઝાંગ શુઆઈ સાથે મળી 20 મહિનામાં પોતાનો પહેલો WTA ખિતાબ જીત્યો