- IPL 2021નો કાર્યક્રમ જાહેર
- 9 એપ્રિલના રોજ શરૂ થશે IPL
- 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમમાં 12 મેચ રમાશે
અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમીયર લીગ એટલે કે IPL નો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે. કાર્યક્રમ મુજબ કુલ 60 મેચો રમાશે છે. જેમાં આઠ ટીમો ભાગ લેશે. આ 56 મેચ દેશના જુદા-જુદા 06 શહેરોમાં રમાશે. 09 એપ્રિલથી IPL ની પ્રથમ મેચ રમાશે અને ફાઇનલ મેચ 30 મે રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી' ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે
આઈપીએલનો કાર્યક્રમ લગભગ દોઢ મહિનાથી વધુ સમયનો છે. જેની અંદર રોયલ ચેલેન્જર્સ બેંગલોર, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નઇ સુપરકિંગ્સ એમ 08 ટીમ ભાગ લેવાની છે. ભારતના 06 શહેરોમાં આ મેચ રમાવાની છે. જેમાં ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ, દિલ્હી, બેંગલોર અને કોલકાતાનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની કુલ 12 મેચ રમાવાની છે. જેમાં પ્રથમ મેચ 21 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. આ ઉપરાંત બે ક્વોલિફાયર અને એક એલિમિનેટર સાથે 30 મેના રવિવારના દિવસે IPL ની ફાઈનલ મેચ 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. આ તમામ મેચો સાંજે 07:30 કલાકે રમાશે.
આ પણ વાંચોઃ IPL-2021: MI અને RCB વચ્ચે 9 એપ્રિલે પ્રથમ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ
IPL ને લઈને શું કહી રહ્યા છે, અમદાવાદના યુવા ક્રિકેટ ફેન્સ?
અમદાવાદના યુવા ક્રિકેટ ફેન્સ IPL ને લઈને ખુબ જ ઉત્સાહિત છે. તેમનું કહેવું છે કે, IPL ની ફાઈનલ મેચ 'નરેન્દ્ર મોદી' ક્રિકેટ સ્ટેડિયમ પર રમાવાની છે. તેને લઈને તેઓ ખૂબ જ ખુશ છે. મેદાન પણ ખૂબ જ સારી ફેસિલીટી વાળું છે. દોસ્તારો સાથે મળીને તેઓ ચોક્કસ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા જશે. અમદાવાદવાસીઓ માટે આ એક સોનેરી તક છે. ક્રિકેટ ફેન્સ પોતાની પસંદગીની ટીમને ચીઅર કરવા માટે ચોક્કસ જશે. કેટલાક યુવાનોએ કહ્યુ હતું કે, જ્યારે હોમગ્રાઉન્ડ પર IPL મેચ યોજવાની છે. ત્યારે તેઓ પોતાના મિત્રો સાથે અત્યારથી જ આઇપીએલની મેચ જોવા જવા માટેનો પ્લાન બનાવી રહ્યા છે. IPL જોવા જવા ઉત્સાહિત યુવાનો અત્યારથી જ બોર્ડ કેવી રીતે તૈયાર કરવા તેની પણ તૈયારી કરી રહ્યા છે. પોતાની પસંદગીની ટીમ અને ખેલાડીને સપોર્ટ કરવા માટે તેઓ સ્ટેડિયમમાં કેવી રીતે અલગ દેખાઈ આવે તેવી તૈયારીઓ કરી રહ્યા છે. કેટલાક યુવાનો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જોઈને આવ્યાં છે. તેઓ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમથી પ્રભાવિત છે.
અમદાવાદ પર કોરોનાનું જોખમ !
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભલે એક મહિના સુધીની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝ રમાવાની હોય અને આગળ IPL ની મેચ પણ આવી રહી છે. ત્યારે સત્ય તો એ છે કે, ચૂંટણી બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધ્યા છે. મેદાનમાં 50 ટકા કેપેસિટી ગણીએ તો પણ 65 હજાર દર્શકો થાય. ત્યારે ભવિષ્યમાં અમદાવાદમાં કોરોનાના કેસ વધવાનું જોખમ તોળાઈ રહ્યું છે.