નવી દિલ્હી: ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ આયર્લેન્ડ સામેની ત્રણ મેચની T20I શ્રેણી માટે ભારતના કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા માટે તૈયાર છે. ફાસ્ટ બોલર પ્રસિધ્ધ કૃષ્ણાની પણ ટીમમાં વાપસી થઈ છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 18, 20 અને 23 ઓગસ્ટના રોજ મલાહાઇડમાં 3 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે જૂન 2022માં બે મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાઈ હતી. જેમાં મુલાકાતી ટીમે શ્રેણી 2-0થી જીતી લીધી હતી.
ટીમમાં નવા ચહેરાઓને મળી તક: આયર્લેન્ડ પ્રવાસ માટે રુતુરાજ ગાયકવાડની ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે રિંકુ સિંહ, જીતેશ શર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહ ગયા વર્ષે સપ્ટેમ્બરના અંતથી સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી બહાર છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 2 મેચ રમ્યા બાદ દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલું T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. પીઠની વારંવાર થતી ઈજાને કારણે તે ઓસ્ટ્રેલિયામાં મેન્સ T20 વર્લ્ડ કપ પણ ચૂકી ગયો હતો. તે ગયા વર્ષે UAEમાં યોજાયેલા એશિયા કપમાં પણ રમ્યો નહોતો.
પ્રસિધ્ધ ક્રિષ્નાની વાપસી: બુમરાહે આ વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુવાહાટીમાં રમાયેલી ODI શ્રેણીની શરૂઆતની મેચમાં ટીમમાંથી બહાર કરવો પડ્યો હતો. BCCIએ તે સમયે તેને સાવચેતીનું પગલું ગણાવ્યું હતું. ત્યારબાદ માર્ચમાં ન્યુઝીલેન્ડમાં તેની પીઠની સર્જરી થઈ અને ત્યારથી તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પુનર્વસનમાંથી પસાર થઈ રહ્યો છે. બીજી તરફ, પ્રસિધ્ધ ક્રિષ્ના પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે ગયા વર્ષથી ટીમમાંથી બહાર છે.
ભારતીય ટીમઃ જસપ્રિત બુમરાહ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિધ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન.
આ પણ વાંચો: