હૈદરાબાદ : ભારતમાં રમાઈ રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC ODI બેટ્સમેનોની રેન્કિંગમાં 10 મા સ્થાનેથી છલાંગ લગાવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માએ નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 63 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમીને ટુર્નામેન્ટમાં ફોર્મમાં રહેલા બેટ્સમેનોમાં પોતાની જગ્યા બનાવી હતી.
બેટ્સમેન રેન્કિંગ : દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 100 અને ઓસ્ટ્રેલિયા સામે 109 એમ બેક-ટુ-બેક સદી માર્યા બાદ છઠ્ઠા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ઉપરાંત તેણે ચોથા સ્થાને રહેલા સાથી ખેલાડી રાસી વાન ડેર ડુસેનને પાછળ છોડી દીધો છે.
ક્વિન્ટન ડી કોકે નેધરલેન્ડ સામેની મેચમાં મોટો સ્કોર ન કરીને 20 રન બનાવીને આઉટ થયા બાદ ટોચના સ્થાનની નજીક પહોંચવાની તક ગુમાવી દીધી. અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ 18 માં સ્થાને પહોંચ્યો છે. ઉપરાંત નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ પણ શાનદાર ઇનિંગ્સ રમીને બેટિંગ રેન્કિંગમાં 18 ક્રમ ઉપર વધી ગયો છે. જેથી તેમની દરેક ટીમને પણ શ્રેષ્ઠ પ્રદર્શક કરવાની પ્રેરણા મળી છે.
પાકિસ્તાનના સુકાની બાબર આઝમ 836 રેટિંગ પોઈન્ટ્સ સુધી પહોંચી ગયો છે અને ODI બેટિંગ રેન્કિંગમાં તેની લીડને 18 પોઈન્ટ સુધી લંબાવી છે. ઉપરાંત ભારતીય ઓપનર શુભમન ગિલ બીમારીમાંથી બહાર આવ્યા બાદ પાકિસ્તાન સામે 12 રન સાથે વર્લ્ડ કપમાં ખાતુ ખોલ્યા બાદ બીજા સ્થાને રહ્યો હતો.
બોલિંગ રેન્કિંગ : આ દરમિયાન ન્યુઝીલેન્ડના અનુભવી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ બાંગ્લાદેશ સામે વિનાશક સ્પેલને પગલે ODI બોલિંગ રેન્કિંગમાં નંબર 1 બનવા નજીક પહોંચી ગયા છે. બાંગ્લાદેશ સામે 2/45 ના શાનદાર પ્રદર્શન સાથે તૌહિદ હૃદોયને આઉટ કર્યા પછી તેણે વન-ડેમાં પોતાની 200 મી વિકેટ નોંધાવી હતી.
લેટેસ્ટ અપડેટ મુજબ એક ક્રમ ઉપર ગયા બાદ ટ્રેન્ટ બોલ્ટ વર્તમાન નંબર 1 બોલર ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ કરતાં માત્ર એક રેટિંગ પોઈન્ટ પાછળ છે. જોશ હેઝલવુડના 660 રેટિંગ પોઈન્ટ છે. અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન બોલિંગ રેન્કિંગમાં 2 ક્રમ ઉપર ચઢીને 4 નંબર પર પહોંચી ગયો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજે સાત ક્રમ ઉપર ચડ્યા બાદ અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ-ઉર-રહેમાનની સાથે 5 નંબર પર બરાબરી કરી છે.
ઓલરાઉન્ડર રેન્કિંગ : ઝડપી ખેલાડીઓમાં ભારતના જસપ્રીત બુમરાહ અને દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડા અનુક્રમે 7 અને 1 ક્રમ ઉપર ચડીને 14 માં સ્થાને પહોંચી ગયા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના લુંગી નગિડી 6 ક્રમની છલાંગ લગાવીને 16 મા સ્થાને છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ-અલ-હસન 343 રેટિંગ પોઈન્ટ સાથે ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર 1 પર છે.