હૈદરાબાદ: પાકિસ્તાન ક્રિકેટ ટીમના સુકાની બાબર આઝમે શ્રીલંકાને 6 વિકેટે હરાવતા ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ રન ચેઝની શ્રેણી યથાવત રાખી હતી. આ બાદ મંગળવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના ગ્રાઉન્ડસમેનને જર્સી ભેટમાં આપીને ખુશી વ્યક્ત કરી હતી.
ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં પ્રેક્ટિસ: શ્રીલંકા સામેની મેચ પછી, મંગળવારે કેપ્ટન બાબર આઝમ અને ટીમે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના દરેક ગ્રાઉન્ડ સ્ટાફનો આભાર માન્યો હતો. કારણ કે તે હૈદરાબાદમાં તેમનો છેલ્લો દિવસ હતો. પાકિસ્તાનના કેપ્ટને ગ્રાઉન્ડ સ્ટાફને પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપની જર્સી ભેટમાં આપી હતી. મેન ઈન ગ્રીને હૈદરાબાદમાંથી તેમના 2023 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી. હૈદરાબાદ શહેરમાં રમાયેલી બે મેચ પાકિસ્તાન ક્રિકેટ ટીમ જીતી હતી. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં જ પાકિસ્તાની ખેલાડીઓએ સાત વર્ષ પછી ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં પ્રેક્ટિસ કરી હતી.
છ વિકેટે જીત: મંગળવારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની રસાકસી ભરી મેચમાં સદીરા સમરવિક્રમા અને કુસલ મેન્ડિસની સદીની મદદથી શ્રીલંકાને તેમની પ્રથમ ઇનિંગમાં 344/9નો નોંધપાત્ર રેકોર્ડ કરવામાં મદદ મળી હતી. જેના જવાબમાં ઊતરેલી ટીમ પાકિસ્તાને પ્રથમ 10 ઓવરમાં ઇમામ-ઉલ-હક અને સુકાની બાબર આઝમની બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, મુહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકની સદીએ મેચનું પાસુ પલટી નાંખ્યુ હતું. 176 રનની ભાગીદારી સાથે મેચના સ્કોર બોર્ડને સતત ફરતું રાખ્યું હતું. એક તબક્કે પાકિસ્તાન આઠ ઓવર પછી માત્ર 37/2 પર રહ્યું હતું. પછી તેઓ છ વિકેટે જીત્યા હતા.
મેચ માટે અમદાવાદ જશે: મંગળવારે શ્રીલંકા સામેની અસાધારણ જીત બાદ પાકિસ્તાનની ટીમને ક્રિકેટ વર્લ્ડ કપમાં હજુ સુધી હારનો સામનો કરવો પડ્યો નથી. તેમના અભિયાનની શરૂઆત નેધરલેન્ડ સામેની જીત સાથે કરી હતી. પાકિસ્તાન હવે તારીખ 14 ઓક્ટોબર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત સામેની મેચ રમવા માટે અમદાવાદ જશે. જેની ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઈને બેઠા છે. બાબર આઝમ આ મેચ જીતવા માટે સંઘર્ષ કરી રહ્યો છે કારણ કે તે શ્રીલંકા સામે 10 અને નેધરલેન્ડ સામે 5 રન બનાવવામાં સફળ રહ્યો હતો. બાબર આઝમને અમદાવાદ પર મેન ઇન બ્લુ સામે તમામ મોરચા પર સતર્ક રહેવું પડશે. જે માટે તેમણે મેચ પહેલા જ પ્રેક્ટિસ સેશન વધારી દીધું છે.