- ચેપક સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત-ઈંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ મેચ ખુબ જ રસપ્રદ
- ચોથા દિવસના પહેલા સત્રમાં ભારતીય ટીમે 257/6 ના સ્કોર સાથે રમવાનું શરૂ કર્યું
- ભારત 337 રનમાં ઓલ આઉટ થયું
ચેન્નઈ: ચેપક સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત અને ઈંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ મેચ ખુબ જ રસપ્રદ બની રહી છે. ભારતીય ટીમે ચોથા દિવસે પ્રથમ ઇનિંગ્સ પૂરી કરી હતી. ચોથા દિવસે વોશિંગ્ટન સુંદરે તેની ટેસ્ટ કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમ હજુ ઇંગ્લેન્ડથી 241 રનથી પાછળ છે.
ભારતીય ટીમે 257/6ના સ્કોરથી રમવાની શરૂઆત કરી હતી
જણાવી દઈએ કે, ચોથા દિવસના પહેલા સત્રમાં ભારતીય ટીમે 257/6 ના સ્કોર સાથે રમવાનું શરૂ કર્યું હતું. આજે પ્રથમ વિકેટ રવિચંદ્રન અશ્વિનની પડી હતી. તેણે 31 રન બનાવ્યા હતા. ત્યારબાદ એક પછી એક બેટ્સમેન (શાહબાઝ નદીમ, ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ)ની વિકેટ પડી હતી અને સુંદર 85 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં 95.5 ઓવર રમી
ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં 95.5 ઓવર રમી હતી. ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો, ડૉમિનિક બેસે 4 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસનને 2-2 વિકેટ ઝડપી.
પંત 91 રનની ઈનિંગ રમ્યો હતો
આ પહેલા ભારત તરફથી રોહિત શર્મા (6), શુબમન ગિલ (29), ચેતેશ્વર પૂજારા (73), કેપ્ટન વિરાટ કોહલી (11), અજિંક્ય રહાણે (1) અને પંત (91) રનની ઈનિંગ રમી હતી.