- ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવી હતી રોટેશન પોલિસી
- રોટેશન પોલિસીને કારણે સારા ખેલાડીઓને તક ન મળતી હોવાથી ટીકા થઈ હતી
- ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ટીકાકારોને વિસ્તૃત ચિત્ર જોવા કરી અપીલ
અમદાવાદ: અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ(ઇસીબી)ની રોટેશન પોલિસીના ટીકાકારોને ટીમના વ્યસ્ત કાર્યક્રમને લઈને રોટેશન પોલિસીનું વિશાળ ચિત્ર જોવા માટે આગ્રહ કર્યો છે.
બે ખેલાડીઓ એક મેચ બાદ સ્વદેશ પરત ફર્યા
રોટેશન પોલિસીને કારણે ઇંગ્લેન્ડે જોની બેસ્ટો અને માર્ક વુડને ભારત સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર રાખ્યા હતા અને હવે છેલ્લી બે ટેસ્ટ મેચમાં તેમને પાછા લેવામાં આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન જોશ બટલર પ્રથમ ટેસ્ટ બાદ જ્યારે ઓલરાઉન્ડર મોઇન અલી બીજી મેચ બાદ સ્વદેશ પરત ફર્યા હતા.
ઘણા ખેલાડીઓએ પોલિસીની ટીકા કરી હતી
એન્ડરસને કહ્યું કે, "તમારે વિસ્તૃત ચિત્ર જોવું જોઈએ. પોલિસી પાછળનો વિચાર એ હતો કે, જો હું તે ટેસ્ટ(બીજી મેચ)માં નહીં રમવા મળે તો તે મને ગુલાબી બોલથી રમાનારી ટેસ્ટ માટે વધુ ફીટ થવાની તક મળશે." કેવિન પીટરસન સહિત ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ ECBની નીતિની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ભારત સામેની આ મોટી શ્રેણીમાં તેમણે પોતાના શ્રેષ્ઠ ખેલાડીઓ ઉતારવા જોઈએ. એન્ડરસન શ્રેણીની પ્રથમ મેચમાં રમ્યો હતો અને 5 વિકેટ સાથે ઇંગ્લેન્ડની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બીજી મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. જેમાં ભારત 317 રને જીત્યુ હતું.