દુબઈઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેન્સ 2020 T-20 વર્લ્ડ કપ અને 2021ના વિમેન્સ વર્લ્ડ કપના આયોજન અંગેનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. આ નિર્ણય હવે જુલાઈમાં લેવામાં આવી શકે છે. આ અંગે ICCએ કહ્યું કે, રમત માટે યોગ્ય નિર્ણયની શ્રેષ્ઠ સંભાવના છે, પણ અત્યારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મહત્વનું છે કે, આગામી T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાનો હતો. ICCની બુધવારે કોન્ફરન્સ કોલ દ્વારા મીટિંગ થઈ હતી. જો કે, ઓસ્ટ્રેલિયામાં લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જેથી યજમાન દેશ ઓસ્ટ્રેલિયાને આશા છે કે, ઓક્ટોબર-નવેમ્બરમાં ટૂર્નામેન્ટ યોજાય.
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને ICC છેલ્લા કેટલાક સમયથી ટેક્સના મુદ્દે સામસામે આવી ગયા છે. ભારતમાં 2021 T-20 વર્લ્ડ કપ અને 2023 વનડે વર્લ્ડ કપ થવાનો છે. ICCએ BCCIને વર્લ્ડ કપ માટે ભારત સરકાર પાસેથી કર માફી મેળવવા કહ્યું હતું, પરંતુ બોર્ડ નિષ્ફળ ગયું હતું.
આ કારણોસર ICCએ વર્લ્ડ કપનું હોસ્ટિંગ છીનવી લેવાની ધમકી આપી હતી. અગાઉ BCCIને 18 મે સુધીમાં જવાબ આપવાનો હતો અને હવે આ મુદ્દત ડિસેમ્બર મહિના સુધી વધારવામાં આવી છે. BCCIએ ડિસેમ્બર 2020 સુધીમાં ટેક્સ સોલ્યુશન આપવાનું રહેશે. ICC ઈચ્છે છે કે, BCCIને વર્લ્ડ કપ સંદર્ભે સરકાર પાસેથી કર માફી મળે. જો તેમ ન થાય તો ICCને 100 મિલિયન ડોલર એટલે લગભગ 756 કરોડનું નુકસાન થઈ શકે છે.