હૈદરાબાદઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના સંયોજક સ્ટીવ રિચાર્ડસને કહ્યું કે, ભારતમાં મેચ ફિક્સિંગને ગુનો જાહેર કરવામાં આવે તો જ ફિક્સિંગ પર કાબૂમાં આવી શકે છે. ભારતમાં કડક કાયદો નથી એટલે જ ક્રિકેટમાં ભ્રષ્ટાચારની તપાસ કરતી વખતે પોલીસ અને અન્ય અધિકારીઓના હાથ બંધાયેલા છે.
રિચાર્ડસને એક ખાનગી ચેનલને કહ્યું કે, અત્યારે આ અંગે કોઈ કાયદો નથી, છતાં પણ અમે મેચ ફિક્સિંગ રોકવા ભારતીય પોલીસ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. મેચ ફિક્સિંગ રોકવા માટે ICC પાસે મર્યાદિત સંસાધનો છે, જેથી ફિક્સિંગ કરનારા લોકો એનો દૂરપયોગ કરે છે. મેચ ફિક્સિંગ મુદ્દે ભારતમાં કાયદો બદલાશે, ત્યારે જ સ્થિતિ કાબૂમાં આવશે. અત્યારે અમે ફિક્સિંગ સંબંધિત 50 કેસોની તપાસ કરી રહ્યાં છીએ. જેમાંથી મોટા ભાગના કેસ ભારત સાથે સંબંધ ધરાવે છે.
અધિકારીએ કહ્યું કે, ભારતમાં 2021થી 2023 વચ્ચે T-20 અને વન ડે વર્લ્ડ કપ જેવી બે મોટી ટૂર્નામેન્ટ છે. જેથી સટોડિયાઓની નજર ટૂર્નામેન્ટ પર સતત રહેશે. આવા સંજોગોમાં જો ભારત મેચ ફિક્સિંગ અંગે કાયદો બનાવે છે, તો રમત વધુ સુરક્ષિત રહેશે. મહત્વનું છે કે, મેચ ફિક્સિંગ રોકવા માટે શ્રીલંકા દક્ષિણ એશિયામાં એકમાત્ર એવો દેશ છે, જેણે મેચ ફિક્સિંગને 2019માં કાનૂની ગુના તરીકે જાહેર કર્યો હતો. જો કોઈ દોષી સાબિત થાય છે, તો 10 વર્ષની સજા થઈ શકે છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ BCCI એક અધિકારીએ દાવો કર્યો હતો કે, ઝડપી પૈસા બનાવવા માટે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, અધિકારીનો સંપર્ક કરે છે. આમ, દર વર્ષે સટ્ટાબાજીથી 30થી 40 હજાર કરોડની આવક થાય છે. એક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કેટલીક મેચોમાં ક્યારેક 19 કરોડ સુધીની રકમ પણ હોય છે.