હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઇ) એ સુપ્રિમ કોર્ટમાં બીસીસીઆઇ બોર્ડના બંધારણમાં નોંધપાત્ર સુધારો કરવાની માગ કરી છે, જેનાથી અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાઇ શકે છે.
ટ્રેઝરર અરૂણસિંહ ધૂમલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં BCCIએ જણાવ્યું છે કે ગત વર્ષે 1 ડિસેમ્બરે વાર્ષિક સામાન્ય સભામાં કેટલાક ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી અને આ પણ બોર્ડના સંવિધાનમાં બદલાવોને લાગુ કરવા માટે 9 ઓગસ્ટ 2018 ના આદેશ અનુસાર સુપ્રીમ કોર્ટ પાસે છૂટ માંગી હતી.
સંચાલકોની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા અને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા નવા નિયમ મુજબ રાજ્યના ક્રિકેટ સંગઠનો અથવા બીસીસીઆઇમાં બે કાર્યકાળમાં ફરજ બજાવતા કોઇપણ વ્યક્તિ માટે ત્રણ વર્ષનો કૂલિંગ ઓફ પીરીયડ નિર્ધારિત કરાયો છે. આ નિયમને ધ્યાનમાં રાખીને ગાંગુલી અને શાહે આ વર્ષે ક્રમશ જુલાઇ અને જૂનથી ત્રણ વર્ષ ક્રિકેટ મેનેજમેન્ટથી દુર રહેવું પડશે, ગયા વર્ષે ઓક્ટોબરમાં બંને બિનહરીફ ચૂંટાયા હતા.
બોર્ડના એજીએમએ મંજૂરી આપી કે કૂલિંગ ઓફ પીરિયડની સમયગાળાની મુદત અધ્યક્ષ અને સચિવને લાગુ પડશે, જો તેઓએ સતત બે વખત BCCIમાં સેવા આપી હોય, જેનો અર્થ છે કે રાજ્યના ક્રિકેટ સંગઠનોમાં તેમનો કાર્યકાળ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
જય શાહ BCCIના સેક્રેટરી બનતા પહેલા વર્ષ 2013 થી ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં જોઇન્ટ સેક્રેટરી હતા. આ જ રીતે ગાંગુલી પણ બંગાળ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ અને બાદમાં અધ્યક્ષ પણ રહ્યા હતા.