- અનુસૂચિત જાતી અંગે ટિપ્પણી કરવા બદલ કેસ નોંધાયો હતો
- યુવરાજે પોલીસની કાર્યવાહી પર રોક લગાવવા કરી માગ
- 25 ફેબ્રુઆરીએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી થશે
ચંડીગઢ: ક્રિકેટર યુવરાજ સિંહે અનુસૂચિત વર્ગ અંગે ટિપ્પણી કરવા બદલ હાંસી પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં યુવરાજસિંહે પોતાની વિરુદ્ધ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં દાખલ કરેલા કેસને રદ કરવા અને હાંસી પોલીસની કાર્યવાહી અટકાવવા માટે અરજી કરી છે. જેની સુનાવણી આજે (25 ફેબ્રુઆરી) કરવામાં આવશે.
વકીલ રજત કાર્લસને યુવરાજ સિંહ સામે ફરિયાદ નોંધાવી હતી
ઉલ્લેખનીય છે કે, 2 જૂન 2020ના રોજ વકીલ રજત કાર્લસને યુવરાજ સિંહ સામે પોલીસ સ્ટેશન હાંસીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં યુવરાજ સિંહે અનુસૂચિત વર્ગ અંગે અપમાનજનક ટિપ્પણી કરવા બાબતે આક્ષેપો કર્યા હતા. આ અંગે હાંસી પોલીસે યુવરાજ સિંહ વિરુદ્ધ 8 મહિના પછી 14 ફેબ્રુઆરીએ ગુનો દાખલ કર્યો હતો. હવે યુવરાજસિંહે પતાની સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં દાખલ કરેલા કેસને રદ કરવા માટે અરજી કરી છે.
યુવરાજસિંહે કાર્યવાહી પર રોક લગાવવાની કરી માગ
યુવરાજસિંહે તેમની વિરુદ્ધ નોંધાયેલા કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર રોક લગાવવાની માગ કરી છે. આ કેસમાં 25 ફેબ્રુઆરીએ હાઈકોર્ટના જજ અનમોલ રતન સિંહની કોર્ટમાં સુનાવણી થશે. ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, તે પણ આ કેસને નકારી કાઢવા અને યુવરાજની ધરપકડ નહીં કરવાની ભારપૂર્વક માગ કરશે.
શું હતી ઘટના?
યુવરાજ સિંહ પર આરોપ છે કે તેમણે ગત વર્ષે રોહિત શર્મા સાથેની લાઇવ ચેટમાં યુઝવેન્દ્ર ચહલ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ કેસમાં રાષ્ટ્રીય એકતા અને દલિત માનવાધિકારના કન્વીનર રજત કલસને હાંસી પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી. કેસ 10 ઑગસ્ટે પંચકુલા ખાતેના સાયબર સેલમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં લાંબી પ્રક્રિયા બાદ 21 સપ્ટેમ્બરના રોજ અહેવાલ મળ્યો હતો.