રાજકોટઃ રવિન્દ્ર જાડેજા રાજકોટમાં માસ્ક ન પહેર્યું હોવાના કારણે વિવાદમાં આવ્યા છે. શહેરના કિસાનપરા ચોકમાં રવિન્દ્ર અને તેમના પત્ની રિવાબા કારમાં જતા હતા તે દરમિયાન માસ્ક ન પહેર્યું હોવાના કારણે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. જેને લઈને રવિન્દ્રના પત્ની દ્વારા પોલીસ સાથે આ મામલે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. જો કે મામલો વધુ ઉગ્ર ન બને તે પહેલા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમજાવટ બાદ બન્નેને દંડની કાર્યવાહી વગર જવા દીધા હતા. આ ઘટના દરમિયાન મહિલા પોલીસના હેડ કોન્સ્ટેબલ સોનલબેન બેફાન થયા હોવાનું પણ સામે આવ્યું છે.
જો કે, 11 ઓગસ્ટથી માસ્ક ન પહેરવાનો દંડ રૂ. 1000 થવાનો છે પરંતુ એ શું કામનું ? માત્ર સામાન્ય માણસો માટે જ જો આવા દંડની રકમ વસૂલવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહેવાય ? ક્રિકેટર હોય કે નેતા, અભિનેતા હોય કે અધિકારી, તમામ લોકોને સરકારના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે. આવી મહામારીના સમયમાં પોલીસ પોતાની ફરજ બજાવતા હોય અને તેની સાથે ઝઘડો કરી તેમને ઉશ્કેરવા પણ યોગ્ય ન કહેવાય એવામાં પોલીસ દ્વારા તેઓ પાસેથી દંડ લિધા વગર જ જવા દેવા એ પણ નિયમનો ભંગ જ કહેવાય.