નવી દિલ્હી: ઇન્ડિયન સ્પિનર હરભજન સિંહે જણાવ્યું હતું કે, તે ક્રિકેટ વિશે વિચારી રહ્યા નથી. એ દેશ સામે ખૂબ જ નાની વસ્તુ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોરોના વાઇરસ સામેની લડતમાં હરભજન સિંહે મજૂરોની ચિંતા વ્યક્ત કરી હતી.
વધુમાં હરભજને જણાવ્યું હતું કે, "પ્રામાણિક પણે આ સમયમાં, છેલ્લા 15 દિવસમાં ક્રિકેટ મારા મગજમાં નથી. ક્રિકેટ દેશની સામે ખૂબ જ નાની વસ્તુ છે. જો હું ક્રિકેટ અને આઈપીએલ વિશે વિચારતો હોત તો હું સ્વાર્થી કહેવાય. આપણી પ્રાથમિકતા સ્વસ્થ રહેવી જોઈએ ભારતને સ્વસ્થ કરો. રમતગમત તો જ થશે જો આપણે સલામત અને સ્વસ્થ રહીશું.
તેમણે ઉમેર્યું કે, "હવે સમય આવી ગયો છે કે, આપણે એક થઇને દેશને તેના પગ પર લાવવા માટે જે કંઇ કરી શકીએ તે કરવાનો પ્રયાસ કરીએ."
કોરોના વાઇરસને કારણે દેશમાં તમામ રમતગમત કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે અથવા રદ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી આવૃત્તિ પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.
39 વર્ષીય બોલર પરપ્રાંતિય મજૂરો વિશે ચિંતા વ્યક્ત કરી છે, જેઓ તેમના ઘરે પહોંચવા પગપાળા જઇ રહ્યા છે. આ અંગે સરકારે લૉકડાઉનની જાહેરાત કર્યા પહેલા કંઇ વિચારવું જોઇતું હતું તેમ જણાવ્યું હતું.
વધુમાં હરભજને જણાવ્યું હતું કે, "મને લાગે છે કે, જાહેરાત કરતા પહેલા પરપ્રાંતિય મજૂરોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ. તેમની પાસે રહેવા માટે ઘર, જમવાનું અને નોકરી નથી. સરકારે તેની કાળજી લેવી જોઈતી હતી અને તેમને ખાતરી આપી હતી કે, તેમને ખોરાક અને પૈસા મળશે. પરંતુ હવે તેઓ તેમના ઘરે પાછા જવાની ઇચ્છા ધરાવે છે.’