લંડનઃ ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન-ડે સીરિઝને કોરોના વાઇરસના કારણે સપ્ટેમ્બર મહિના સુધી સ્થગિત કરવામાં આવી છે. ઇગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જુલાઇમાં રમાનાર ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝ રમાવી મુશ્કેલ છે. અમે ઓસ્ટ્રેલિયાને કહ્યું છે કે, આ સીરિઝને આગળના બે મહિના સુધી સ્થગિત કરવામાં આવે.

ઇગ્લેન્ડને 3થી 16 જુલાઇ સુધી ઓસ્ટ્રેલિયા સામે 3 ટી-20 અને 3 વન-ડે મેચ રમવાની હતી. આ સીરિઝની તારીખમાં ફેરફાર થવાને કારણે હવે ઇગ્લેન્ડને પાકિસ્તાનની સાથે સીરિઝ રમ્યા બાદ તુરંત ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ રમાશે. પાકિસ્તાન અને ઇગ્લેન્ડ વચ્ચેની સીરિઝ 2 સપ્ટેમ્બરે પુરી થશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે. ઇસીબીએ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે નવી તારીખ પણ આપી છે. ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝ સિવાય જૂનમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે યોજાનાર વન-ડે અને ટી-20 સીરિઝને પણ સ્થગિત કરવામાં આવી છે. કોરોના વાઇરસના ખતરાને કારણે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ક્રિકેટ બોર્ડે સીરિઝને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
