હાંસી : દલિત સમાજ વિરુદ્ધ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે કરેલી કથિત ટિપ્પણી બદલ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. હાંસીના પોલીસ અધિક્ષક લોકેન્દ્રસિંઘને ફરિયાદ કરવામાં આવી છે. યુવરાજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
દલિત અધિકાર કાર્યકર્તા અને વકીલ રજત કલસન દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર યુવરાજ અને ક્રિકેટર રોહિત શર્મા વચ્ચેની લાઇવ ચેટમાં, દલિત સમાજ વિશે ટિપ્પણી કરવા અંગે આક્ષેપો કરવામાં આવ્યો છે.
રજત કલસને કહ્યું કે, સોમવારથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં યુવરાજ અને ક્રિકેટર રોહિત શર્મા વચ્ચે આ ટિપ્પણી થઇ હતી. એડવોકેટ રજત કલસને કહ્યું કે તેમણે એસપી હાંસીને ફરિયાદ કરી છે. જેમાં તેમણે યુવરાજ સિંહ સામે સોશિયલ મીડિયા પર ભારતના દલિત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કેસ દાખલ કરવાની માંગ કરી છે.
તેમણે કહ્યું કે, આ ટિપ્પણી સમસ્ત દલિત સમાજના લોકોએ જોઇ છે અને આ ટિપ્પણીથી દલિત સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે, જો આ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ સંદર્ભે એક મોટું આંદોલન કરવામાં આવશે.
પોલીસ એસપી લોકેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, તેમને યુવરાજ સિંહ વિરુદ્ધ ફરિયાદ મળી છે અને ડીએસપીને તપાસ સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે, તપાસ બાદ આ મામલે સ્પષ્ટતા કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, રોહિત શર્મા અને યુવરાજ સિંહ વચ્ચે થોડા દિવસો પહેલા એક ઈન્સ્ટાગ્રામ લાઇવ ચેટ શો યોજાયું હતું. આ શો દરમિયાન રોહિત અને યુવરાજે કોરોના વાઇરસ, તેમના અંગત જીવન અને ભારતીય ક્રિકેટરો વિશે ઘણી વસ્તુઓ શેર કરી હતી.